બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર સામે અનેક સમસ્યાઓ, વિરોધો અને આંદોલનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન સરકાર સામે વધુ એક સમસ્યા સામે આવી છે. બનાસકાંઠાના ડીસામાં ગૌ-પ્રેમીઓ અને ગૌશાળા સંચાલકો રૂ. 500 કરોડની પશુ સહાય ન ચૂકવતા ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાની કારને ગૌ-પ્રેમીઓએ રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
મંત્રીની ગાડી ઘેરીને કર્યો સૂત્રોચ્ચાર
બનાસકાંઠામાં આજે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી અને કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાનો કાફલો પસાર થઈ રહ્યો હતો. ત્યારે આંદોલન કરી રહેલા ગૌ-પ્રેમીઓએ કારની આગળ જ ઊભા રહી જઈને તેમનો કાફલો થોભાવી દીધો હતો. ગૌ પ્રેમીઓએ ગાય માતા માટે બજેટમાં ફાળવેલા રૂ.500 કરોડની પશુ સહાય આપવા માંગ કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થિતિ જોઈએ પોલીસ દ્વારા મંત્રીજીની કાફલા આગળથી આંદોલન કરી વિરોધ કરી રહેલા ગૌ-પ્રેમીઓને ખસેડવામાં આવ્યા હતા.
ગૌશાળાઓમાંથી ગાયને છોડી મૂકી
વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમ તેમ સરકાર સામે મુશ્કેલીઓ પણ સતત વધી રહી છે. આ દરમિયાન વિરોધ મામલે બનાસકાંઠાના ડીસામાં ગૌશાળા સંચાલકોએ મોટું પગલું લીધું છે. ગૌશાળામાં રહેતી ગાયોને ગૌશાળા સંચાલકોએ રસ્તા પર છોડી દીધી છે. આજે અંદાજે 20 હજાર જેટલા ગૌ વંશને રસ્તા પર છોડવામાં આવ્યા હતા. જેના પરિણામે આજે ડીસામાં ટ્રાફિક જામ થવાની સંભાવના છે. આ સાથે અકસ્માત થવાની સંભાવના છે. ગૌ વંશને રસ્તા છોડવાથી સરકાર સામે અનેક સમસ્યાઓ ઊભી થશે. ગૌશાળા સંચાલકોના આ પગલાં પાછળ જવાબદાર સરકાર જ છે.
48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું
સરકાર દ્વારા બજેટમાં 500 કરોડ પશુ સહાય માટે ફાળવ્યા હતા. પરંતુ કોઈ સહાય મળી ન હતી જેને લઈને ગૌશાળા સંચાલકોએ સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. 48 કલાક પૂર્ણ થતાંની સાથે જ આજે ગૌશાળા સંચાલકોએ ગૌ શાળાઓના દરવાજા ખોલી નાખ્યા હતા અને ગૌવંશને સરકારના ભરોસે છોડી દીધા હતા. આ મામલે ધર્મશાસ્ત્રી કિશોર દવેએ જણાવ્યું હતું કે, માર્ચ 2022માં જાહેર કરવામાં આવેલી પશુ સહાય દેવામાં સરકાર દોષિત છે. ગાયની સેવા ચાકરી સહાય વગર કરવી મુશ્કેલ છે.
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર)
ADVERTISEMENT