બનાસકાંઠા: છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગૌ ભક્તો અને ગૌશાળાના સંચાલકો દ્વારા સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું છે. તેમની માગ છે કે સરકાર બજેટમાં જાહેરાત મુજબ ગાય માતા માટે રૂ. 500 કરોડની સહાય જાહેર કરે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત ન કરાતા બનાસકાંઠામાં ગૌભક્તોનો ભાજપને આગામી ચૂંટણીમાં મત ન આપવાની પ્રતિજ્ઞા લેતો વીડિયો સામે આવ્યો છે.
ADVERTISEMENT
ગૌભક્તોની ભાજપને મત ન આપવાની પ્રતિજ્ઞા
વીડિયોમાં ગૌભક્તો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે, સરકાર જો 500 કરોડની સહાય નહીં આપે તો હું આવનાર ચૂંટણીમાં ભાજપને મત નહીં આપું. અને સમાજના દરેક ગૌપ્રેમીઓને ભાજપને વોટ ન આપવા સમજાવીશ. આ વાતની હું પ્રતિજ્ઞા લઉં છું. આ સાથે જ 1લી ઓક્ટોબરથી ગૌપ્રેમીઓ દ્વારા ગૌ અધિકાર સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે.
ગૌશાળા સંચાલકો અને ગૌપ્રેમીઓમાં સરકાર સામે રોષ
નોંધનીય છે કે, તાજેતરમાં જ બનાસકાંઠાના ડીસામાં ગૌશાળા સંચાલકોએ મોટું પગલું લીધું હતું. ગૌશાળામાં રહેતી ગાયોને ગૌશાળા સંચાલકોએ રસ્તા પર છોડી દીધી છે. અંદાજે 20 હજાર જેટલા ગૌ વંશને રસ્તા પર છોડવામાં આવ્યા હતા. સરકાર દ્વારા બજેટમાં 500 કરોડ પશુ સહાય માટે ફાળવ્યા હતા. પરંતુ કોઈ સહાય મળી ન હતી જેને લઈને ગૌશાળા સંચાલકોએ સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. 48 કલાક પૂર્ણ થતાંની સાથે જ આજે ગૌશાળા સંચાલકોએ ગૌ શાળાઓના દરવાજા ખોલી નાખ્યા હતા અને ગૌવંશને સરકારના ભરોસે છોડી દીધા હતા.
ADVERTISEMENT