રોનક જાની/નવસારી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજથી ભાજપ દ્વારા વિવિધ બેઠકો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નિરીક્ષકો વિવિધ જિલ્લામાં ફરીને ઉમેદવારો નોંધાવવા ઈચ્છતા દાવેદારોની યાદી તૈયાર કરશે. ત્યારે આ ચૂંટણીમાં લડવા માટે પૂર્વ ભારતીય ક્રિકેટરે પણ દાવેદારી નોંધાવી છે.
ADVERTISEMENT
કોણ છે રાકેશ પટેલ?
નવસારીની જલાલપોર બેઠક પરથી પૂર્વ ભારતીય ક્રિકેટર અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના રણજી ટીમના બોલિંગ કોચ એવા રાકેશ પટેલે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવા પોતાનો બાયોડેટા મોકલ્યો છે. રાકેશ પટેલે પોતાના બાયોડેટામાં લખ્યું છે કે, તેઓ કોળી પટેલ સમાજના સભ્ય છે અને 20 વર્ષથી ભાજપના કાર્યકર્તા છે. યુવાનો અને વરિષ્ઠ લોકો સાથે રાજકીય અને સામાજિક રીતે જોડાયેલા છે. ઉપરાંત રમતગતમ અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.
રાકેશ પટેલના ક્રિકેટ કરિયર પર એક નજર
રાકેશ પટેલના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેઓ 1998માં ફર્સ્ટ ક્લાસ રણજી ટ્રોફી માટે રમ્યા હતા. આ બાદ 2002માં ન્યૂઝિલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં તેમની પસંદગી થઈ હતી. 2007માં આયર્લેન્ડ પ્રવાસે માટે ભારતીય ટીમમાં તેમની પસંદગી થઈ હતી. 2008માં ICLમાં અમદાવાદની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2010માં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે તેમની પસંદગી થઈ. 2013માં ફર્સ્ટ ક્લાસ BCA રણજી ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત થયા. વર્ષ 2021-22માં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના રણજી ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત થયા. વર્ષ 2022-23 IPL ગુજરાત ટાઇટન્સ ટીમે ટેલેન્ટ સ્કાઉટ તરીકે તેમને પસંદ કર્યા હતા.
જલાલપોર વિધાનસભા બેઠકનું સમીકરણ શું છે?
જલાલપોર વિધાનસભા બેઠકની વાત કરીએ તો તે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું મુખ્ય મથક છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી જલાલપોર બેઠક 174 નંબરની છે. આ બેઠક પર કુલ 2,15,970 મતદારો છે. વર્ષ 2002થી આ સીટ ભાજપનો ગઢ રહી છે. અહીં આર.સી પટેલ છેલ્લી ચાર ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. આ બેઠક પર સૌરાષ્ટ્ર પટેલ, કોળી પટેલ, બ્રાહ્મણ, મરાઠી, માછીમાર, મુસ્લિમ, જૈન, ક્ષત્રિય, આહિર તથા અનુસૂચિત જનજાતિના મતદારો છે.
ADVERTISEMENT