અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય નેતાઓમાં પક્ષપલટાની સીઝન ચાલી રહી છે. તાજેતરમાં જ BTPમાંથી જિલ્લા પ્રમુખ સહિતના કેટલાક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ત્યારે હવે મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતીના પૂર્વ ઉપ-પ્રમુખ આજે દશેરાના દિવસે AAPમાં જોડાઈ ગયા છે. પૂર્વ કોંગ્રેસના આગેવાન ઉદયસિંહ ચૌહાણે આજે ગોપાલ ઈટાલિયાના હાથે ખેસ પહેરીને વિધિવત રીતે AAPમાં જોડાયા હતા. સાથે જ તેમના સમર્થકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ADVERTISEMENT
કોણ છે આપમાં જોડાનાર ઉદયસિંહ ચૌહાણ?
બાલાસિનોરથી ખેડા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. ખેડા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. હાલમાં તેઓ જિલ્લામાં કોંગ્રેસના ઉપ-પ્રમુખ હતા અને તાજેતરમાં જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઉપરાંત તેઓ પાલીખંડા દૂધ સહકારી મંડળીના વર્તમાન ચેરમેન તરીકે કામગીરી બજાવી રહ્યા છે. તથા ક્ષત્રિય સમાજના પણ તેઓ સામાજિક આગેવાન છે.
આમ આદમી પાર્ટીએ 2000 પદાધિકારીઓની નિમણૂંક કરી
બીજી તરફ ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના સંગઠનની પાંચમી યાદીની પણ આજે જાહેરાત કરી છે. જેમાં 2000 કરતા પણ વધારે પદાધિકારીઓને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં પ્રદેશ લેવલથી લઈને જિલ્લા, વિધાનસભા સુધીના પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પ્રદેશ કક્ષાએ 50થી વધુ પદાધિકારીઓ, જિલ્લા કક્ષાએ 1000થી વધુ પદાધિકારીઓની નિયુક્તિ અને વિધાનસભા તથા અન્ય કક્ષાએ મળીને 2000 કરતા વધુ પદાધિકારીઓની નિમણૂંક કરાઈ છે.
સોશિયલ મીડિયાથી રાજીનામું ધરી દીધું
BTPના નર્મદા જિલ્લાના પ્રમુખ ચૈતર વસાવા, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા તથા તાલુક પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવાએ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. તમામે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રાજીનામું ધરી દીધું હતું. તમામની સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ થતા નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આ તમામ હવે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT