‘યોગી આવે કે મોદી, કોઈ ભાજપના ઉમેદવારને જીતાડી નહીં શકે’, BJPના જ પૂર્વ નેતા પાર્ટી સામે પડ્યા

વિરેન જોશી/મહીસાગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કેટલીક બેઠક પર ભાજપ સામે જૂના જોગીઓએ જ મોરચો માંડ્યો છે. ભાજપે ચૂંટણીમાં આ વખતે 39 જેટલા ધારાસભ્યોની…

gujarattak
follow google news

વિરેન જોશી/મહીસાગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કેટલીક બેઠક પર ભાજપ સામે જૂના જોગીઓએ જ મોરચો માંડ્યો છે. ભાજપે ચૂંટણીમાં આ વખતે 39 જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપીને નવા ઉમેદવારોને તક આપી છે. ત્યારે નારાજ નેતાઓ અપક્ષથી ચૂંટણી લડી રહ્યા છે. મહીસાગરની લુણાવાડા બેઠક પર પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય ટિકિટ ન મળતા નારાજ થઈને અપક્ષથી લડી રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે લુણાવાડા બેઠક પર રાજકારણ ગરમાયું હતું.

ભાજપથી નારાજ જે.પી પટેલ અપક્ષથી લડી રહ્યા છે
ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનારા જે.પી પટેલે ભાજપના ઉમેદવાર તથા PM મોદી સહિતના મોટા નેતાઓને પડકાર આપીને પ્રહાર કર્યા હતા. જે.પી પટેલે કહ્યું કે, યોગી આવે મોદી આવે કે રૂપાલા કે પછી જીતુ વાઘાણી આવે ઉમેજવાર ત્રીજા-ચોથા નંબરે રહેવાનો છે. ભાજપના ઉમેદવારને 8 તારીખ પછી બેસવા માટે ખુરશી પણ આપશે નહીં. લુણાવાડાની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. મારે ક્યાં ધારાસભ્ય બનીને દારૂના અડ્ડામાં ભાગીદારી કરવી છે મિત્રો.

મુસ્લિમ વિસ્તારમાં હતી જે.પી પટેલની સભા
નોંધનીય છે કે, જે.પી પટેલે ગત રાત્રે લુણાવાડાના મુસ્લિમ વિસ્તારમાં સભા યોજીને આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. તેમની સભાનો વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. મુસ્લિમ વિસ્તારમાં ભાજપને પડકાર ફેંકી મુસ્લિમ મત મેળવવા જે.પી પટેલ આ પ્રકારે રાજનીતિ કરતા જોવા મળ્યા હતા. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ સાથે રહેનાર મોટાભાગના મુસ્લિમ મતદારો અપક્ષને આપશે સાથ કે પછી રહશે કોંગ્રેસ સાથે રહેશે.

30 વર્ષથી ભાજપ સાથે હતા જે.પી પટેલ
જે.પી પટેલ એ ભાજપ સાથે બળવો કરી અપક્ષમાંથી દાવેદારી કરી છે. છેલ્લા 30 વર્ષથી તેઓ ભાજપમાં નેતા રહ્યા હતા. તેઓ બે ટર્મ પંચમહાલ અને મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. ભાજપ દ્વારા 2007માં જે.પી પટેલને સંતરામપુર વિધાનસભામાં ટિકિટ પણ આપી હતી પરંતુ કારમી હાર થઈ હતી. પરંતુ આ વખતે ભાજપે ટિકિટ ન આપતા તેમણે અપક્ષથી ઉમેદવારી કરી છે.

    follow whatsapp