વિરેન જોશી/મહિસાગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થાય એની પહેલા હવે રાજ્યમાં દિવસે ને દિવસે આંદોલનોનો દોર વધતો જઈ રહ્યો છે. આના કારણે સરકારને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે હવે મહિસાગરમાં વનકર્મીઓ પોતાની માગ સંતોષવા માટે અચોક્કસ મુદત સુધી રજા પર ઉતરી ગયા છે. વર્ગ-3નો ગ્રેડ પે ઓછો હોવા જેવા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વનકર્મીઓ અત્યારે અચોક્કસ સમયમર્યાદા માટે રજા પર ઉતરી ગયા છે.
ADVERTISEMENT
મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા વનકર્મીઓ
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી જાહેર થાય તે પહેલાં મોટાભાગના વિભાગના કર્મચારીઓ સરકાર સામે પોતાની માગો પૂરી કરવા માટે બાયો ચઢાવી મેદાનમાં ઉતરી ગયા છે. અત્યારે કર્મચારીઓની જાણે આંદોલનની મોસમ ચાલુ થઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે. તેવામાં હવે વનકર્મીઓએ પોતાની માગો પૂરી થાય તે માટે આજે મંગળવારથી અચોક્કસ મુદતની રજા પર ઉતરી ગયા છે.
ગુજરાત રાજ્યના વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગરના નેજા હેઠળ મહિસાગર જિલ્લાના છ તાલુકાની સાત રેન્જના 76 વનકર્મીઓ, વનરક્ષક અને વનપાલ અચોક્કસ મુદત સુધી રજા પર ઉતરી ગયા છે. ચલો તેમના પડતર પ્રશ્નો પર નજર કરીએ…
- વનકર્મીઓએ ગ્રેડ-પે, લીવ બોનસ સેલેરીનો મુદ્દો ઉઠાવ્યો
- બઢતી માટે 1:3નો રેશિયો વધારવા માગ કરાઈ
- ઉચ્ચતર પગાર ધોરણ સમયસર મંજૂર કરવા માટે ટકોર કરી
- સમયસર સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવા જણાવ્યું
- 24 કલાકની નોકરી હોવા છતાં વર્ગ-૪ના રોજમદાર કરતાં વનરક્ષક વર્ગ-3નો ગ્રેડ-પે ઓછો હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે
અગાઉ હડતાળ પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી
અત્રે નોંધનીય છે કે મહીસાગર જિલ્લાના વનકર્મીઓએ ગત 24 ઓગસ્ટે જિલ્લા નાયબ વન સંરક્ષક અધિકારીને પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં વનકર્મીઓ એકઠા થઈ નાયબ વન સંરક્ષકની કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં પહોંચી વિવિધ માંગોને અનુલક્ષી નાયબ વન સંરક્ષક અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પગાર અને બઢતી સહિતના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ADVERTISEMENT