ગાંધીનગર: ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણનો સમારોહ બપોરે બે વાગ્યે યોજાવાનો છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમારોહમાં મુખ્યમંત્રી સાથે મંત્રીઓ પણ શપથ લેશે. ત્યારે માહિતી મળી રહી છે કે, આજે બપોરે શપથવિધિ બાદ સાંજે 5 વાગ્યે કેબિનેટની પ્રથમ બેઠક મળશે. સાથે જ પોર્ટફોલિયોની પણ આજે જ વહેંચણી થશે. બીજી તરફ મંત્રીપદના શપથ લેનારા નવા મંત્રીઓને અધિકારીઓ સાથે તાલમેલ બેસાડવા માટે 10 દિવસ ગાંધીનગર ન છોડવાની સૂચના આપવામાં આવી હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ADVERTISEMENT
7 રાજ્યના મુખ્યમંત્રી શપથવિધિમાં હાજર રહેશે
ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના શપથવિધિની ખૂબ જ ભવ્ય રીતે તૈયારી કરવામાં આવી છે. આ શપથ સમારોહમાં 7 રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે, ઉપરાંત 10 હજાર જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ SPG, કમાન્ડો, પોલીસનો કાફલો સુરક્ષા માટે ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે PM મોદી તથા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલ રાતથી જ ગુજરાતમાં આવી પહોંચ્યા છે.
શંકર ચૌધરીને ફોન ન આવ્યો હોવાની ચર્ચા
જોકે અત્યાર સુધીમાં ભાજપના જે 16 ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવા માટે ફોન આવ્યા છે, તેમાં ઘણા જૂના અને દિગ્ગજ નેતાઓના નામની બાદબાકી થઈ છે. બનાસ ડેરીના ચેરમેન અને થરાદથી ધારાસભ્ય એવા શંકર ચૌધરીનું નામ પણ યાદીમાંથી ગાયબ છે, એવામાં તેમને વિધાનસભાના અધ્યક્ષનું પદ મળે તેવી પણ શક્યતા છે. ત્યારે અન્ય બે નેતાઓના નામ પણ આ પદ માટે આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેવામાં હવે જોવાનું રહેશે કે વિધાનસભાનું અધ્યક્ષનું પદ કોના ફાળે જાય છે.
મોડી રાત્રે ધારાસભ્યોને ફોન કરીને જાણ કરાઈ
સૂત્રો મુજબ, મોડી રાત્રે 16 જેટલા ધારાસભ્યોને ગઈકાલે મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા હતા અને તેઓ આજે મંત્રીપદના શપથ ગ્રહણ કરી શકે છે. ત્યારે જાણો કયા કયા ધારાસભ્યોને પ્રદેશ ભાજપ કાર્યાલય તરફથી ફોન આવ્યા છે.
હર્ષ સંઘવી- મજૂરા
ઋષિકેશ પટેલ
કનુભાઈ દેસાઈ
રાઘવજી પટેલ
પ્રફુલ્લ પાનસેરીયા- કામરેજ
મુળુભાઈ બેરા
પુરુષોત્તમ સોલંકી
જગદીશ પંચાલ – નિકોલ
મુકેશ પટેલ – ઓલપાડ
કુંવરજી બાવળીયા
ભાનુબહેન બાબરીયા
કુબેર ડિંડોર
બળવંતસિંહ રાજપુત
બચુભાઈ ખાબડ
દેવાભાઇ માલમ – કેશોદ
ભીખુભાઈ પરમાર – મોડાસા
ADVERTISEMENT