અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 દિવસ પહેલા જ ફ્લેગ ઓફ કરેલી વંદે ભારત એક્સપ્રેસને ગઈકાલે અકસ્માત નડ્યો હતો. અમદાવાદના વટવા આગળ વંદેભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. ચાર ભેંસ અથડાવાને કારણે વંદે ભારત ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. જો કે સામાન્ય નુકસાન હોવાના કારણે ટ્રેન વ્યવહાર 20 મિનિટ જેટલો સમય થોભાવાઇ હતી. ત્યાર બાદ તમામ ચેકિંગ કર્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ મામલે હવે રેલવે સુરક્ષા દળે ભેંસના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ADVERTISEMENT
ગાંધીનગરથી મુંબઈ જતી ટ્રેનને નડ્યો હતો અકસ્માત
ગુરુવારે ગાંધીનગરથી મુંબઈ જતી આ ટ્રેનને મણીનગરથી વટવા વચ્ચે અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રેક પર ભેંસો આવી જતા ટ્રેન તેની સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ભેંસોના મોત નિપજ્યા હતા. બીજી તરફ ટ્રેનનો પણ આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
અકસ્માત બાદ 20 મિનિટ સુધી ટ્રેન રોકવી પડી
અમદાવાદ રેલવેના PROએ જણાવ્યું હતું કે, સવારે 11.15 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટના બાદ ટ્રેનને 20 મિનિટ સુધી રોકવી પડી તી. આ બાદ ટ્રેનને ઠીક કરીને રવાના કરી દેવાઈ હતી. આ વંદે ભારત ટ્રેનને 30 સપ્ટેમ્બરે જ વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન 180થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
5 કલાકમાં ગાંધીનગરથી મુંબઈ પહોંચાડશે ટ્રેન
ગાંધીનગરથી મુંબઇ જતી આ સેમી સુપર ફાસ્ટ ટ્રેન માત્ર 5 કલાક જેટલા ટુંકા ગાળામાં ગાંધીનગરથી મુંબઇ પહોંચી જાય તે પ્રકારે અપગ્રેડ કરાઇ હતી. આ ટ્રેનને ભારતની સેમી બુલેટટ્રેન ગણાવવામાં આવી હતી. જો કે આ ટ્રેનને સંચાલિત કરવા માટેના કેટલાક પડકારો પણ છે જે આજે વંદેભારત એક્સપ્રેસને સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT