અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય પક્ષો ચૂંટણી જીતવા દિવસ રાત એક કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપે ઉમેદવારની પસંદગી માટે આજથી સેન્સ પ્રક્રિયા હાથ ધરી. ત્યારે અમદાવાદની ઘાટલોડિયા બેઠક માટે લેવાયેલ સેન્સમાં માત્ર એક જ નામ સામે આવ્યું છે. જે નામ છે ભૂપેન્દ્ર પટેલ. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. તેઓ અમદાવાદના ઘાટલોડિયા માંથી ફરી વખત ચૂંટણી લડશે. ભૂપેન્દ્ર પટેલની સામે કોઈ પણ નેતાએ દાવેદારી નથી કરી.
ADVERTISEMENT
ઘાટલોડિયા બેઠક પરથી બે મુખ્યમંત્રી મળ્યા
આજે ઘાટલોડિયા બેઠક માટે સેન્સ પ્રક્રિયાની હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે સર્વાનુમતે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. ઘાટલોડિયા બેઠક પરથી માત્ર એક જ નામ સામે આવ્યું છે. તમામ નેતાઓએ ભૂપેન્દ્ર પટેલનું જ નામ આપ્યું છે. આ બેઠકે બે મુખ્યમંત્રી આપ્યા છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આનંદીબેન પટેલ મુખ્યમણત્રી બન્યા હતા. અને તેમને ગુજરાતની સત્તાનું સુકાન મળ્યું હતું ત્યાર બાદ આ બેઠક પરથી 2017માં ભૂપેન્દ્ર પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા. જેમાં ભૂપેન્દ્ર પટેલ 1.75 લાખ જેટલા રેકોર્ડ બ્રેક મતદાનથી વિજેતા થયા હતા. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેતા. ગુજરાતની સત્તાનું સુકાન ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યું હતું.
ભાજપની સેફ સીટ
નવા સીમાંકન બાદ સરખેજ વિધાનસભા બેઠકના ભાગ પાડી નવી વિધાનસભાઓ અસ્તિત્વમાં આવી હતી. જેમાં ઘાટલોડિયા, વેજલપુર, સરખેજનો સમાવેશ થાય છે. સરખેજ વિધાનસભા વર્ષોથી ભાજપનો ગઢ હતી. જેમાંથી છૂટી પડી બનેલી ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ જ સાબિત થઇ છે. આ બેઠક ભાજપની સેફ સીટ માનવામાં આવે છે.
મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવીને રિપીટ કરવા માંગ
મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવીને ટિકિટ આપવા માગ કરવામાં આવી છે. હર્ષ સંઘવીના સમર્થકો કાર્યાલયે પહોંચ્યા હતા. હર્ષ સંઘવીને જંગી બહુમતીથી જીતાડવા નિર્ધાર કર્યો છે. આજે મજૂરા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક પર ફરી તેમને જ ટિકિટ ફાળવવા સમર્થકો દ્વારા માંગ કરાઇ છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા.
ADVERTISEMENT