અરવલ્લી: હાલમાં અરવલ્લીના ભિલોડામાં પ્રેમ લગ્ન મામલે 17 પરિવારોનો ગ્રામજનોએ બહિષ્કાર કરીને ગામમાંથી કાઢી મૂક્યા હોવાનો બનાવ બન્યો હતો. નાઈ સમાજના યુવકે ગામની ચૌધરી પટેલ યુવતી સાથે આંખ મળી જતા કોર્ટ મેરેજ કરી લીધી હતા. જે બાદ બંને પોલીસ પ્રોટેક્શન મેળવીને અમદાવાદમાં રહેતા હતા. હવે યુવકે પોતાની પત્નીનું અમદાવાદથી અપહરણ કરાયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
ADVERTISEMENT
અમદાવાદથી પિતા દીકરીને ઉઠાવી ગયા
ભિલાડાના ભુતાવડ ગામમાં પ્રેમ લગ્ન કરનારા યુવકે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તે નોબલનગરમાં પોતાના ઓળખીતાના ઘરે મળવા માટે ગયા હતા. આ દરમિયાન યુવતીના પિતા સહિત ચાર લોકો ત્યાં આવ્યા અને યુવકને માથામાં મારીને બળજબરીથી યુવતીને કાળા રંગની ક્રેટા કારમાં પોતાની સાથે લઈ ગયા હતા. યુવક અને યુવતી બંને બે વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને પરિવારજનોને તેમના સંબંધો મંજૂર ન હોવાથી તેમણે કોર્ટ મેરેજ કરી લીધા હતા. જે બાદ મામલો ગરમાયો છે.
આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ મંત્રી અને BJPના ધારાસભ્ય સામે આબુમાં સગીરાની છેડતીની ફરિયાદ નોંધાઈ
અગાઉ ગામમાંથી નાઈ સમાજના લોકોનો કરાયો હતો બહિષ્કાર
તાજેતરમાં જ ભિલોડાના ભુતાવડ ગામમાં નાઈ સમાજના યુવક જે હાલ અમદાવાદ રહે છે, તેની ગામની જ પટેલ સમાજની યુવતી સાથે આંખ મળી ગઈ હતી. જેથી બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. બંને સમાજના અગ્રણીઓના સમજાવવા છતાં યુવક-યુવતી અલગ થવા તૈયાર નહોતા. જે બાદ ગ્રામજનોએ ગામમાં આવેલા નાઈ સમાજના 17 જેટલા પરિવારોનો બહિષ્કાર કરી નાખ્યો હતો અને પાણી, લાઈટ તથા દૂધ જેવી વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. જેથી આ 17 જેટલા પરિવારના લોકોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને મળીને આવેદન પાઠવી ન્યાયની માગણી કરી હતી. જે બાદ પોલીસ ગામમાં પહોંચી હતી.
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)
ADVERTISEMENT