સંજયસિંહ રાઠોડ/બારડોલી: બારડોલી ગુજરાતમાં નવી સરકાર બન્યાને હજુ ગણતરીના દિવસો જ થયા છે કે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. સુરતના બારડોલીમાં શાકભાજી માર્કેટમાં રીંગણના માત્ર 1 રૂપિયાનો ભાવ મળતા વેચવાને બદલે રોષે ભરાયેલા ખેડૂતોએ 800 કિલો રીંગણ રોડ પર જ ફેંકી ને વિનામૂલ્યે વિતરણ શરૂ કર્યું હતું. જોકે બાદમાં બારડોલીની ગૌ સેવા સમિતી તેમની મદદે આવી હતી અને રૂ.5 પ્રતિ કિલોના ભાવે રીંગણ ખરીદ્યા હતા.
ADVERTISEMENT
ખેડૂતોએ રસ્તા પર જ રીંગણ ફેંકી દીધા
સુરતના બારડોલીમાં જમીન પર રીંગણ વેરવિખેર પડ્યા હતા અને લોકો થેલીઓમાં રીંગણ ભરી ભરીને લઈ જઈ રહ્યા હતા. વાસ્તવમાં બારડોલી વિસ્તારના ખેડૂતોએ મોટી સંખ્યામાં રીંગણનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ જ્યારે તેઓ બારડોલીના શાક માર્કેટમાં રીંગણ વેચવા પહોંચ્યા ત્યારે ત્યાંના દલાલોએ તેમના રીંગણનો ભાવ 1 રૂપિયા પ્રતિ કિલો જણાવ્યો હતો, જેના કારણે ખેડૂતોએ આનો વિરોધ કરીને રીંગણ જમીન ઉપર ફેંકી દીધા હતા. લોકોએ રીંગણની લૂંટ ચલાવી હતી. રીંગણના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ રીંગણ રસ્તા પર ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
પાકનો ખર્ચ પણ ન નીકળે તેટલા પૈસા
ખેડૂતોનો આરોપ છે કે, શાકમાર્કેટમાં દલાલો અને વેપારીઓની મિલીભગતના કારણે ખેડૂતોનો મરો થઈ રહ્યો છે. ખેડૂતોને ખૂબ ઓછા ભાવ આપી ગ્રાહકો પાસેથી ઊંચા ભાવે માલ વેચી કમાણી કરવામાં આવી રહી છે. સવારથી સાંજ સુધી ખેડૂતો ખેતરમાં મહેનત કરે છે, જોકે પાક તૈયાર થાય ત્યારે ખેતીનો ખર્ચ નીકળે તેટલી પણ રકમ મળતી નથી. સરકાર દ્વારા આવા દલાલો અને વેપારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉછી છે. બીજી તરફ ખેડૂતોએ બારડોલીના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીને પણ યોગ્ય માર્કેટ પૂરું પાડવાની માંગ કરી છે.
ગૌ સેવા સમિતી ખેડૂતોની મદદે આવી
જોકે આ બાદ બારડોલીની ગૌ સેવા સમિતી ખેડૂતોની મદદે આવી અને 100 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે 8 હજાર કિલો જેટલા રીંગણ ખરીદ્યા હતા. અને લોકોને 10 રૂપિયામાં રીંગણ વહેંચ્યા હતા. આ રીંગણના વેચાણથી થયેલી આવકનો ગૌ શાળાના વિકાસ માટે ઉપયોગ કરાશે.
ADVERTISEMENT