Farmers Protest: કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓની વચ્ચે રવિવારે સાંજે ચંદીગઢમાં ચોથા રાઉન્ડની વાતચીત એક સકારાત્મક માહોલમાં થઈ. બેઠક બાદ મીડિયાની સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ખેડૂત નેતાઓની સાથે સકારાત્મક ચર્ચા અને વિગતવાર ચર્ચા થઈ. આ વાતચીત એવા સમયે થઈ જ્યારે હજારો આંદોલનકારી ખેડૂતો પંજાબ-હરિયાણા બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે. કેન્દ્ર તરફથી ત્રણ મંત્રી- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય ખેડૂતો સાથેની બેઠકમાં જોડાયા હતા.
ADVERTISEMENT
સરકારે આપ્યા ખેડૂતોને આ પ્રસ્તાવો
- કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે સરકાર પાંચ વર્ષ માટે ચાર પાક પર MSP આપવા તૈયાર છે.
- ખેડૂતોને સરકારી એજન્સીઓ દ્વારા પાંચ વર્ષ માટે લઘુત્તમ ટેકાના ભાવે કઠોળ, મકાઈ અને કપાસના પાકને ખરીદવાની દરખાસ્ત કરવામાં આવી છે.
- NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન) અને NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા) જેવી સહકારી સંસ્થાઓ તે ખેડૂતોની સાથે કરાર કરશે જેઓ 'અડદની દાળ', 'મસૂરની દાળ' અથવા મકાઈ ઉગાડે છે. આગામી 5 વર્ષ સુધી તેમનો પાક MSP પર ખરીદવામાં આવશે.
- ખરીદીની માત્રા (Quantity) પર કોઈ મર્યાદા હશે નહીં એટલે કે અનલિમિટેડ હશે અને આ માટે એક પોર્ટલ વિકસાવવામાં આવશે.
- સરકારનું માનવું છે કે અલગ-અલગ પાકોના ઉત્પાદનથી પંજાબની ખેતી બચશે, ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો થશે અને જમીનને બંજર બનવાથી બચાવશે, જેના પર પહેલેથી જ ખતરો મંડરાઈ રહ્યો છે.
સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરીને ખેડૂતો નિર્ણય લેશે
ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ આગામી બે દિવસમાં સરકારની દરખાસ્ત પર તેમના મંચો પર ચર્ચા કરશે અને પછી ભવિષ્યની યોજનાઓ નક્કી કરશે. કેન્દ્રના પ્રસ્તાવ પર ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, 'અમે 19-20 ફેબ્રુઆરીના રોજ અમારા મંચો પર તેની ચર્ચા કરીશું અને આ અંગે નિષ્ણાતોના અભિપ્રાય લઈશું અને તે મુજબ નિર્ણય લઈશું.'
હાલ રોકી દેવાઈ 'દિલ્હી ચલો' કૂચ
પંઢેરે કહ્યું કે, લોન માફી અને અન્ય માંગણીઓ પર ચર્ચા બાકી છે અને અમને આશા છે કે આગામી બે દિવસમાં તેનો ઉકેલ આવી જશે. તેમણે કહ્યું કે 'દિલ્હી ચલો' કૂચ હાલમાં રોકી દેવામાં આવી છે, પરંતુ 21 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે ફરી શરૂ થશે. તમામ મુદ્દાઓ ઉકેલાયા નથી. કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓએ અગાઉ 8, 12 અને 15 ફેબ્રુઆરીએ બેઠક કરી હતી, પરંતુ આ વાટાઘાટો અનિર્ણિત રહી હતી.
ADVERTISEMENT