કૌશિક કાંઠેચા / કચ્છઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સરકારી કર્મચારી સહિત ખેડૂતો પોતાની વિવિધ માગ સાથે આંદોલન ચલાવી રહી છે. ત્યારે ભાજપ માટે આ ચૂંટણી ઘણી મુશ્કેલ જોવા મળી રહી છે. તેવામાં કચ્છના માંડવી ખાતે નમો કિસાન પંચાયતનું આયોજન કરાયું હતું, જેમાં ખેડૂતોએ પોતાના વિવિધ પ્રશ્નો પૂછીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં ખેડૂતોએ ભાજપના નેતાઓને ચાલુ કાર્યક્રમમાંથી ભગાડી દીધા હતા. ચલો સમગ્ર વિવાદ પર નજર કરીએ…
ADVERTISEMENT
લાયજા ગામ ખાતે કિસાન પંચાયતમાં થયો હોબાળો
કચ્છનાં માંડવી તાલુકાના લાયજા ગામ ખાતે ભાજપ કિસાન મોરચા દ્વારા “નમો કિસાન પંચાયત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ હિતેશ પટેલ સહિત સ્થાનિક ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેવામાં કાર્યક્રમના શરૂ થવાની સાથે જ ખેડૂતોએ ભાજપના નેતાઓને આકરા સવાલો પૂછ્યા હતા. જોત જોતામાં મુદ્દો એટલો ગરમાયો કે ખેડૂતો ભાજપના નેતાઓ પર ગુસ્સે થઈ ગયા હતા.
ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરીને ભાજપ નેતાઓને રીતસરના ચાલુ કાર્યક્રમમાંથી ભગાડી દીધા હતા. આ દરમિયાન નેતાઓ પણ ખેડૂતોનો ગુસ્સો જોઈએ ગભરાઈ ગયો હોય એમ લાગ્યું અને તેઓ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા.
કચ્છનાં ખેડૂતોએ કહ્યું કે “સમાન વીજદર સહિતના પ્રશ્નોને લઇને કિસાન સંઘે સરકારમાં અનેકવાર રજૂઓતો કરી પણ કોઇ ઉકેલ આવી શક્યો નથી. છેલ્લા 28 દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે. જ્યાં સુધી ગાંધીનગરમાં આંદોલન પર બેઠેલા ખેડૂતોની માંગોનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી ગામમાં પ્રવેશવાની પણ ના પાડી દેવામાં આવી હતી. ગુજરાતનાં દરેક ગામમાં આવી જ રીતે ભાજપાનાં તાયફાઓનો બહિષ્કાર કરવામાં આવશે એવું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.”
રાજ્યમાં વિરોધ પ્રદર્શનનો દોર શરૂ…
ઉલ્લેનીય છે કે અત્યારે રાજ્યમાં અનેક ગુજરાતમાં જાણે આંદોલનની સિઝન જામી છે. સરકારી કર્મચારીઓ બાદ ખેડૂતોએ પણ સરકાર સામે વિરોધનો બુંગિયો ફુંક્યો છે. તેવામાં પાટનગર ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘે સરકાર સામે પોતાની માંગોને લઈને મોરચો માંડ્યો છે. ભારતીય કિસાન સંઘના ખેડૂતોની નારાજગી ભાજપ સરકારને આગામી ચૂંટણીમાં ભારે પડી શકે છે. કારણ કે વિધાનસભા ચૂંટણી પેહલા ખેડૂતોને રિઝવવામાં રાજ્યની ભાજપ સરકાર સફળ રહી નહોતી. ખેડૂતોની નારાજગીના ખરાબ પરિણામો આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી શકે છે.
ADVERTISEMENT