Farmer Protest Update: પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે એક વૃદ્ધ ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે. શુક્રવાર (16 ફેબ્રુઆરી, 2024)ની વહેલી સવારે હાર્ટ એટેક આવ્યા બાદ તેમનું અવસાન થયું છે. મૃતક અન્નદાતાની ઓળખ 78 વર્ષીય જ્ઞાન સિંહ તરીકે થઈ છે. તેઓ પંજાબના ગુરદાસપુરના રહેવાસી હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રદર્શન દરમિયાન તેમને રાત્રે ઠંડી લાગી ગઈ હતી, જે બાદ તેમનું મૃત્યુ થયું.
ADVERTISEMENT
સવારે લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલ
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, જ્ઞાન સિંહને સવારે 4 વાગ્યે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને પટિયાલાની સરકારી રાજીન્દ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમની ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. ડોક્ટરોએ તેમનો જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, જોકે દોઢ કલાક સુધી ચાલેલી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. પંજાબ-હરિયાણા બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના વિરોધ વચ્ચે ખેડૂતનું આ પ્રથમ મૃત્યુ છે.
હાર્ટ એટેકથી થયું મૃત્યુઃ ડોક્ટર
હૉસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે, ખેડૂતનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. જ્યારે તેમને અહીં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત અત્યંત નાજુક હતી. સવારે 6 વાગ્યે તેમનું અવસાન થયું છે. પટિયાલાના ડેપ્યુટી કમિશનર શૌકત અહેમદ પાર્રેએ પણ ખેડૂતના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે મેડિકલ રેકોર્ડ મુજબ ખેડૂતનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું
એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલ
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જ્ઞાન સિંહ અન્ય પાંચ ખેડૂતો સાથે ટ્રોલીમાં સૂઈ રહ્યા હતા. આ લોકો શંભુ બોર્ડર પાસે હાજર હતા, જ્યાં વિરોધ ચાલી રહ્યો છે. જ્ઞાન સિંહના ભત્રીજા જગદીશ સિંહે જણાવ્યું કે, સવારે 3 વાગ્યે એમ્બ્યુલન્સને બોલાવીને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT