બેંગ્લોર: રવિવારે રાત્રે IPLની અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું. મેચમાં વિરાટ કોહલીએ RCB માટે સદી ફટકાર્યા બાદ ગુજરાત માટે શુભમન ગિલે પણ સદી ફટકારી હતી. ત્યારે ગિલની તોફાની બેટિંગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું IPL ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર તૂટી ગયું છે. IPL 2023ની છેલ્લી લીગ મેચ પહેલા મુંબઈએ હૈદરાબાદને હરાવ્યું હતું. પ્લેઓફમાં પહોંચવા માટે બેંગ્લોરે કોઈપણ ભોગે ગુજરાત સામેની મેચ જીતવી જરૂરી હતી, પરંતુ તેઓ તેમ કરી શક્યા ન હતા અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.
ADVERTISEMENT
શુભમન ગિલને ફેન્સે કહ્યા અપશબ્દો
RCB સામે ગુજરાતની જીતનો હીરો શુભમન ગિલ રહ્યો હતો. ગિલે માત્ર 52 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 104 રન બનાવ્યા અને ફરી એકવાર વિરાટ કોહલીનું ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું. RCBની આ હાર બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર શુભમન ગિલને ગાળો આપી હતી. ગિલે મેચ બાદ પોતાના ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલી તસવીર નીચે કમેન્ટ બોક્સમાં ચાહકો અભદ્ર શબ્દો વાપરીને ગિલને તથા તેના પરિવારને અપશબ્દો કહી રહ્યા છે.
RCBના ખેલાડીને પણ ગાળો કહી
શુભમન ગિલની સાથે RCBના ખેલાડી વેઇન પાર્નેલને પણ ફેન્સ અપશબ્દો કહ્યા હતા. આટલું જ નહીં પાર્નેલને ફરી RCBની જર્સીમાં ન દેખાવા માટેની ધમકી આપી દીધી હતી તથા તેના માતા અને પત્ની વિશે પણ ખરાબ શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
ગિલ અને શંકર વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશીપ
198 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાતે પ્રથમ ઓવર શાંતિથી રમી, પરંતુ પછીની ઓવરમાં વેઈન પાર્નેલને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. શુભમને બે ચોગ્ગા અને એક રિદ્ધિમાન સાહાએ ફટકાર્યો હતો. સાહા આગલી ઓવરમાં સિરાજને ચોગ્ગો ફટકારીને આઉટ થયો હતો. એક્સ્ટ્રા કવર પર મોટો શોટ મારવાના પ્રયાસમાં તે વેઇન પાર્નેલના હાથે કેચ થયો હતો. સાહાએ 14 બોલમાં 12 રન બનાવ્યા હતા. ત્યારબાદ ગિલ અને વિજય શંકર વચ્ચે બીજી વિકેટ માટે 123 રનની ભાગીદારીએ ગુજરાતની જીતનો પાયો નાખ્યો હતો. બંનેએ કોઈ જોખમ લીધા વિના શોટ રમ્યા અને પાવરપ્લેમાં ટીમે 51 રન બનાવ્યા. ત્યારબાદ ગિલે હાથ ખોલ્યા અને 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી વિજયે 34 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા. આ દરમિયાન તેણે 109 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. શંકર અને ગિલે મળીને ટીમને 148 રન સુધી પહોંચાડી હતી.
RCBએ પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા
બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ, RCBએ ફરી એકવાર સારી શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી. કોહલી અને ડુપ્લેસીએ ફરી એકવાર પાવરપ્લેમાં ટીમને કોઈ નુકસાન થવા દીધું ન હતું અને 62 રન જોડ્યા હતા. ડુપ્લેસીએ ત્રીજી ઓવરમાં મોહમ્મદ શમીને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારપછીની ઓવરમાં કોહલીએ યશ દયાલને ચાર ચોગ્ગા ફટકાર્યા. નૂર અહેમદે ગુજરાતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ડુપ્લેસીને રાહુલ તેવટિયાના હાથે કેચ કરાવ્યો. આરસીબીના કેપ્ટને 19 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે આવતાની સાથે જ રન બનાવવાનો કરવાનો પ્રયાસ કર્યો અને એક ફોર અને સિક્સ ફટકારી. પરંતુ રાશિદની સ્પિને તેને બોલ્ડ કરી દીધો હતો.
દિનેશ કાર્તિક ફરી 0 પર આઉટ
મહિપાલ લોમરોર (1) કંઈ કરી શક્યો ન હતો અને નૂરની ઓવરમાં સ્ટમ્પ આઉટ થઈ ગયો હતો. માઈકલ બ્રેસવેલે 16 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા અને કોહલી સાથે 47 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન કોહલીએ 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આરસીબીએ 14મી ઓવરમાં 132 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ ત્રણ બોલમાં બ્રેસવેલ અને દિનેશ કાર્તિક (0)ની વિકેટ ગુમાવી દેતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
કાર્તિક IPLમાં 17મી વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. કોહલીને અનુજ રાવતના રૂપમાં સારો પાર્ટનર મળ્યો. બંનેએ છેલ્લી ઓવરમાં ઝડપી રન બનાવ્યા અને 64 રનની ભાગીદારી કરી. કોહલીએ છેલ્લી ઓવરમાં સદી પૂરી કરી, જે તેની આ સિઝનમાં સતત બીજી અને એકંદરે સાતમી સદી હતી. રાવત 14 બોલમાં એક સિક્સર અને ફોર સાથે 23 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. ગુજરાત માટે નૂર અહેમદે ચાર ઓવરમાં 39 રન આપીને બે વિકેટ ઝડપી હતી. મોહિત શર્માનેએ તેની ચાર ઓવરમાં 54 રન આપ્યા.
ADVERTISEMENT