અમદાવાદ: શહેરમાં લગ્નની લાલચે લગ્ન ઈચ્છુક યુવકના પરિવાર પાસેથી રૂપિયા પડાવાતા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગઠિયાએ લગ્ન માટે કન્યા શોધી રહેલા યુવકના પિતાને છોકરીનો ફોટો અને બાયોડેટા મોકલ્યા હતા. બાદમાં સંબંધ થઈ જશે એમ કહીને રજીસ્ટ્રેશનના નામે પૈસા પડાવ્યા હતા અને પછી યુવતીએ બીજા કોઈની સાથે લગ્ન કરી લીધા હોવાનું કહી દીધું. છેતરપિંડી થયાનો અહેસાસ થતા ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
દીકરા માટે કન્યા શોધતા યુવકના પિતા ફસાયા
શહેરના ચાંદખેડામાં રહેતા બંસીધરભાઈએ તેમના દીકરા માટે દત્ત મેટ્રોમોનિયલ સાઈટ પર બે વર્ષ પહેલા બાયોડેટા મૂક્યો હતો. દરમિયાન 15મી જાન્યુઆરીએ તેમને વોટ્સએપમાં મેસેજ આવ્યો. જે શુભ-મંગલ જોડી વડોદરાથી આવ્યો હતો. અંશુલ નામના વ્યક્તિએ મેસેજ મોકલી છોકરીનો ફોટો અને બાયોડેટા મોકલ્યો હતો અને છોકરી પસંદ આવે તો તેમના છોકરાનો ફોટો અને બાયોડેટા મોકલી આપવા કહ્યું હતું. જેથી બંસીધરભાઈએ દીકરાનો ફોટો અને બાયોડેટા અંશુલે આપેલા નંબર પર મોકલી આપ્યો હતો. દરમિયાન અંશુલે તેમની યુવતીની માતા સાથે ફોનમાં વાત કરાવી અને બંને પક્ષને છોકરો-છોકરી પસંદ હોવાની ચર્ચા થઈ હતી.
લગ્નનું નક્કી કરાવીને રજીસ્ટ્રેશન ફી ભરાવી
જોકે અંશુલ અવારનવાર ફોન કરીને બંસીધરભાઈને રજીસ્ટ્રેશન ફી ભરવા માટે જણાવતો. દરમિયાન તેઓ તેમના પત્ની સાથે વડોદરા અંશુલની ઓફિસે પહોંચ્યા જ્યાં તેણે 15 હજાર ફી ભરવા કહ્યું. જોકે ફરિયાદીએ 4 હજાર આપ્યા અને રસીદ લીધી. આ બાદ તેમને વેબસાઈટના આઈડી પાસવર્ડ આપવામાં આવ્યા. જ્યારે આ વેબસાઈટમાં ચેક કર્યું તો જે યુવતીનો બાયોડેટા મોકલ્યો તેની વિગત જ નહોતી. આથી અંશુલને ફોન કરીને યુવતીના માતા-પિતા સાથે વાત કરાવવા કહેતા તેણે એક નંબર આપ્યો પરંતુ આ નંબર ફોન કરતા કોઈ ફોન રિસીવ નહોતું કરતું. બાદમાં પરિવારે 3 દિવસ બાદ ફરી યુવતીના ઘરનું સરનામું માગ્યું હતું ત્યારે તેની માતા સાથે વાતચીત કરાવી દરમિયાન યુવતીએ અમેરિકામાં કોઈની સાથે લગ્ન કરી લીધા હોવાનું કહ્યું. આમ બંસીધરભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાનું લાગતા તેમણે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT