મહેસાણા: મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હોવાની માહિતી મળી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં ફેક્ટરીમાં વરિયાળીમાંથી નકલી જીરું બનાવાતો હોવાનું સામે આવ્યું હતું. વરિયાળી પર કાળો પાઉડર અને ગોળનું કોટિંગ લગાવી નકલી જીરું બનતું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 500 કિલો ગોળનો સ્થળ પરથી નાશ કર્યો હતો. સાથે જ રૂ.99 હજારથી વધુનો મુદ્દામાલ સીઝ કરીને સેમ્પલને લેબમાં મોકલ્યા હતા.
ADVERTISEMENT
ફેક્ટરીમાંથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવા પદાર્થો મળ્યા
ઊંઝાના મક્તુપુરમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં ફેક્ટરીમાંથી મોટી માત્રામાં નકલી જીરું બનાવવાનો સામાન તથા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવા પદાર્થો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પટેલ ધર્મેન્દ્ર અંબાલાલનું ગોડાઉન હોવાનું ખૂલ્યું હતું. સમગ્ર મામલે સામે આવતા આખા ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું.
ફેક્ટરી પકડાઈ પરંતુ આરોપીઓ ભાગી ગયા
નોંધનીય છે કે, હજુ પણ ઘણી બધી ફેક્ટરીમાં આ રીતની ગેરરીતિઓ અને નકલી મસાલા બનાવવાનું કૌભાંડ અગાઉ પણ સામે આવી ચૂક્યું છે. ત્યારે ફરી એકવાર પૈસા માટે લોકોના જીવ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જોકે ખાસ વાત એ છે કે ફેક્ટરી તો પકડાઈ પરંતુ તેમાં નકલી જીરું બનાવતા લોકો ભાગી જવામાં સફળ થઈ ગયા છે. જે પણ શંકાસ્પદ બાબત લાગે છે. હાલમાં ફેક્ટરીમાંથી દરેક મટીરિયલના સેમ્પલ લઈને તપાસ માટે તેને મોકલવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT