કચ્છ: ઉત્તરાયણના પર્વ પૂર્ણ કચ્છના ખાવડા વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ હટાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 35થી વધુ મકાનો તથા 6 જેટલા મદરેસા હટાવવામાં આવ્યા. જોકે હાલમાં આ કામગીરી સામે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, પ્રશાસન દ્વારા કોઈપણ નોટિસ કે સૂચના આપ્યા વિના મદરેસા તોડી પાડવામાં આવી છે. જેના કારણે હવે બાળકોને બહાર બેસીને ભણવું પડી રહ્યું છે.
ADVERTISEMENT
વીડિયોમાં યુવક નોટિસ વગર મદરેસા તોડી પાડવાનો કરે છે દાવો
વીડિયોમાં વ્યક્તિ એમ પણ કહે છે કે, આ અમારી મદરેસા છે જેને 15 જાન્યુઆરીએ બપોરે 1.35 કલાકે તાલુકા અધિકારીએ વગર કોઈ નોટિસે જમીનદોસ્ત કરી દીધું છે. અમારા 100 આસપાસ બાળકો છે, જે ખુલ્લા આકાશમાં બેસીને ભણી રહ્યા છે. અમારા મદરેસાની વાત કરાય તો મારી ઉંમર હાલમાં 35 વર્ષ જેટલી છે, હું પણ આ મદરેસામાં ભણ્યો છું અને આઝાદીથી આ મદરેસા અહીં છે. અમારી સરકારને અપીલ છે કે કોઈ કાયદો અનુસરતા પહેલા નોટિસ આપવામાં આવે છે. અમને કોઈ નોટિસ નથી મળી. જો આ મુજબ કામગીરી થઈ હોય તો અમારી સરકારને અપીલ છે અમને બીજી કોઈ જગ્યા આપે જ્યાં આ બાળકો અભ્યાસ કરી શકે.
વીડિયોમાં કરાયેલો દાવો ખોટો
ગુજરાત Takની તપાસમાં આ દાવો એકદમ ખોટો અને નિરાધાર હોવાનું સામે આવી રહ્યું છે. હકીકતમાં દબાણ હટાવવા માટે પ્રશાસન દ્વારા પહેલાથી નોટિસ આપવામાં આવી હતી. જે બાદ મદરેસાના સંચાલકોએ જાતે જ દબાણ હટાવી નાખ્યું હતું અને બાંધકામ તોડી પાડ્યું હતું, તેમ જાણવા મળી રહ્યું છે.
કચ્છના SPએ કર્યો ખુલાસો
કચ્છના SPનો આ અંગે જણાવ્યું કે, આ એકદમ ખોટી વાત છે. કારણ કે તેમાં રેવન્યૂ વિભાગ દ્વારા તેમાં નોટિસ આપવામાં આવેલી છે. એ પછી રેવન્યૂ વિભાગ દ્વારા પોલિસ પ્રોટેક્શનની માગણી કરવામાં આવી અને મેં પ્રોટેક્શન આપવા માટે સમય અને તારીખ નક્કી કરી તે પ્રમાણે પ્લાનિંગ કર્યું હતું. નોટિસ આપ્યા બાદ મદરેસા સંચાલકોને મેસેજ ગયો કે સરકારી જમીન પર આ દબાણ હતું, અને તેનું ડિમોલિશન કરવામાં આવશે તે જાણીને તેમણે જાતે આ મદરેસા દૂર કર્યા છે.
મદરેસાના સંચાલકોએ જ દબાણ તોડી પાડ્યું
તેમણે આગળ કહ્યું, અમે જે તારીખે જવાનું નક્કી કર્યું હતું કે નોટિસની તારીખ મુજબ દબાણ જાતે દૂર ન કરાય તો પોલીસ પ્રોટેક્શન લઈને તેને દૂર કરાશે. તેનાથી એક દિવસ પહેલા જ પોતે જ મદરેસાઓ દૂર કર્યા છે. તેમની રજૂઆતો હતી કે મદરેસામાં અમૂક મટીરીયલ એવા હોય છે તેને રીયુઝ કરી શકાય, જેમ કે પતરા, નળિયા, ડેલા. આથી તેઓ જાતે દબાણ દૂર કરવા માગતા હતા. નોટિસ આપ્યા વગર જબરજસ્તી જગ્યા ખાલી કરાવી હોય તેવી કોઈ વાત નથી. તેમણે કહ્યું, વીડિયોમાં વાત કરતા વ્યક્તિનો ખુલાસો લેવા માટે બોલાવ્યા છે. કારણ કે તે વીડિયોમાં કહી રહ્યા છે તેવું કોઈ કારણ નથી.
ADVERTISEMENT