પાર્થ વ્યાસ/અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેવામાં ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત દિગ્ગજ નેતાઓ અત્યારે એક મીડિયાના અહેવાલને ટાંકીને ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બંને AAPના નેતાઓએ ટ્વીટમાં જે મીડિયાનો અહેવાલ ટાંક્યો છે તેમાં ભાજપના નેતાઓ અને AIMIM વચ્ચે બંધબારણે ગુપ્ત મીટિંગ થઈ હોવાની વાત કરી હતી. જેમાં ભાજપના 2 દિગ્ગજ નેતાઓ AIMIMની ઓફિસે બંધબારણે સાબીર કાબલીવાલાને મળ્યા હોવાનું જણાવાયું હતું. તેવામાં GUJARAT TAKની ટીમે સાબીર કાબલીવાલા સાથે આ મુદ્દે ખાસ વાતચીત કરી હતી. જાણો આ સમગ્ર ઘટના પાછળનું સત્ય શું છે…
ADVERTISEMENT
સાબીર કાબલીવાલાએ ઘટનાનું સત્ય ગુજરાત તકને જણાવ્યું…
GUJARAT TAK જ્યારે આ વાઈરલ પોસ્ટ અને મીડિયા અહેવાલોના બાદ વહેતી અટકળો મુદ્દે સાબીર કાબલીવાલાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ મુદ્દે ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું કે અત્યારે જે આક્ષેપો થઈ રહ્યા છે તે ખોટા અને પાયા વિહોણા છે. વધુમાં તેમણે જણાવ્યું કે એક ટેક્સટાઈલની ફેક્ટરી લગભગ 10 મહિનાથી બંધ હતી. અત્યારે કોમન ટ્રિટમેન્ટ પ્લાન્ટ બની રહ્યો છે. તેવામાં STP પ્લાન્ટને લઈને આ બેઠક થઈ હતી, એમાં ઘણા લોકોએ હાજરી આપી હતી. આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે હું ઈલેક્શન નજીક છે તેવી સ્થિતિમાં કમીશનર, મેયર બધાને કોર્પોરેશનમાં આ અંગે રજૂઆત કરતો આવ્યો છું. કારણ કે હાઈકોર્ટના નિર્ણય પછી હવે આ પ્લાન્ટ શરૂ થશે પછી જ ફેક્ટરીઓ શરૂ થઈ શકે એમ છે.
સાબીર કાબલીવાલાએ વધુમાં જણાવ્યું કે એ સમયે તેમના દ્વારા પ્રોજેક્ટનું અવલોકન કરવા તથા આ મુદ્દે ચર્ચા કરવા માટે ત્યાં વિઝિટ કરાઈ હતી. તેવામાં અહીં આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ મોટાભાગના લોકો પણ હાજર હતા. અમે એવી જ ચર્ચા કરી હતી કે વહેલામાં વહેલી તકે આ પ્રોજેક્ટ પૂરો થઈ જાય તથા આમા આગળ શું કાર્યવાહી થઈ શકે છે. પરંતુ કોઈ અજાણ્યા શખસ દ્વારા આને અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. મારા ફોટાને ક્રોપ કરીને પણ મૂકવામાં આવી રહ્યા છે. આ કોઈ ચૂંટણીલક્ષી બેઠક નહોતી. અમે તો ટેક્સટાઈલ ફેક્ટરી મુદ્દે ચર્ચા કરી હતી.
અન્ય મુદ્દે બેઠક હતી એને અલગ રીતે રજૂ કરાઈ- સાબીર કાબલીવાલા
પ્રોજેક્ટ માટે વારંવાર મીટિંગો થતી રહેતી હતી. પરંતુ આ દરમિયાન કોઈકે બધુ ક્રોપ કરીને મારો ફોટો ધર્મેન્દ્ર શાહ જોડે મુકી દીધો છે. 2 વાગ્યે સાબીર કાબલીવાલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. જેમાં તેઓ આ બેઠક મુદ્દે વિગતવાર ચર્ચા કરશે. તથા સમગ્ર ઘટનાક્રમ શું હતો એની જાણકારી આપશે.
સોશિયલ મીડિયામાં વાઈરલ તસવીરો પર AIMIMના દાનિશ કુરેશીનો ઘટસ્ફોટ
AIMIMના દાનિશ કુરેશી સાથે GUJARAT TAKએ ખાસ વાતચીત કરી છે. જેમાં તેમણે વાઈરલ તસવીરો વિશે કહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા ભ્રમ ફેલાવવાના હેતુથી આવી તસવીરો વાઈરલ કરાઈ રહી છે. અત્યારે જે પ્રમાણે આમ આદમી પાર્ટી AIMIM પર આક્ષેપો લગાવી રહી છે તે તદ્દન ખોટા અને પાયા વિહોણા છે. AAP આ પ્રમાણે લોકોને ભ્રમિત કરવા માટે કાવતરું કરી રહી છે.
જાણો આમ આદમી પાર્ટીએ કેટલાક મીડિયા અહેવાલને ટાંકીને શું આરોપો લગાવ્યા હતા…
ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા તથા મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને ભાજપ અને AIMIM પર નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ લગાવ્યા છે કે આ ચૂંટણી પહેલાની રણનીતિ ઘડવા માટે બંને પાર્ટીએ બંધ બારણે બેઠક કરી હશે. આ દરમિયાન તેમણે એક મીડિયાના અહેવાલને પણ ટાંક્યો છે. જેમાં ભાજપ અને ઔવેસીના રાજકીય રણનીતિ તથા સંબંધોને લઈને આક્ષેપો કરાયા છે.
ADVERTISEMENT