અમદાવાદ: રાજ્યના ડીજીપી તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયા આજે ફરજ પરથી નિવૃત્ત થયા. ત્યારે ગુજરાતના પૂર્વ પોલીસ વડાનો આજે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પોલીસ ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમણે કારમાં પૂર્વ ડીજીપી આશિષ ભાટિયાને બેસાડી દોરડાથી કારને ખેંચી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.
ADVERTISEMENT
પૂર્વ ડીજીપીએ નિવૃત્તિ સમયે શું મેસેજ આપ્યો?
આ પ્રસંગે પૂર્વ ડીજીપીએ જણાવ્યું હતું કે, હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું. ડીજીપી તરીકે મને કામ સોંપવામાં આવ્યું. નિવૃત્તિના સમયે પણ 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું. મેં સરકારની સૂચનાનો અમલ કરવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. મારા કાર્યકાળમાં ડ્રગ્સ, ગુમ બાળકો, મહિલાઓની સુરક્ષા અન ક્રાઈમમાં અલગ અલગ રીતે કામ થયા. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનાઓ નિવારવા માટે કામગીરી કરવામાં આવી. 2022માં ડ્રગ્સ વિરુદ્ધ જે અભિયાન છેડવામાં આવ્યું તેમાં એક વર્ષમાં જ 5500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું.
વિકાસ સહાયે સંભાળ્યો ઈન્ચાર્જ ડિજીપીનો ચાર્જ
જ્યારે ઈન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળનારા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, મને ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપીનો ચાર્જ આપવામાં આવ્યો છે. હું ગુજરાત સરકારનો આભાર માનું છું. મારા માટે આ સૌભાગ્યની વાત છે કે મને ગુજરાત પોલીસનો કમાન્ડ સોંપવામાં આવ્યો છે. તમામ ગુજરાતના નાગરિકોને સલામતી અને સુરક્ષાનો અનુભવ થાય તેવા પ્રયાસો કરી શું અને પોલીસની છબી સારી રીતે ઊભરે તેવી કામગીરી કરીશું.
ADVERTISEMENT