રાજકોટ: શહેરમાં ઉત્તરાયણની સાંજે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી સાંજે ખૂની ખેલ ખેલાયો. જેમાં પ્રેમ સંબંધમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી. ખાસ વાત એ છે કે યુવકને તેની પૂર્વ પ્રેમિકા અને તેના હાલના પ્રેમીએ છરીના ઘા માર્યા હતા. જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું સવારે મોત નિપજ્યું હતું. મૃતક યુવક હિરેન જાદવના મિત્રની ફરિયાદ પર પોલીસે જ્યોત્સના તથા તેમના પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બીજી તરફ પૂર્વ પ્રેમિકા જ્યોત્સનાએ પણ મૃતક યુવક અને તેના મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
પ્રેમ સંબંધ તોડી યુવતી અન્ય યુવક સાથે રહેતી
મૃતક યુવક હિરેન જાદવના મિત્રના જણાવ્યા મુજબ, હિરેન સ્કૂલ વેન ચલાવતા હતો અને તેના જ્યોત્સના નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જોકે થોડા સમય પહેલા જ્યોત્સના સાથે તેને પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. આ બાદ જ્યોત્સનાએ પરસોત્તમ નામના યુવક સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેની સાથે રહેતી હતી. હિરેનને આ બાબત પસંદ ન હોવાથી બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ઉત્તરાયણની સાંજે હું અને હિરેન જ્યોત્સનાના ઘર પાસેથી જતા હતા. આ દરમિયાન તે અને તેનો પ્રેમી પુરુષોત્તમ ત્યાં આવી પહોચ્યા.
આ પણ વાંચો: 80 હજાર સામે 2 લાખ વસૂલ્યા છતાં 6 લાખ માગતો, વધુ એક વ્યાજખોર પોલીસ સકંજામાં આવ્યો
યુવતીના નવા પ્રેમીએ પૂર્વ પ્રેમીને છરી મારી
જે બાદ હિરેન અને પુરુષોત્તમ વચ્ચે બોલાચાલી થઈ હતી. એટલામાં પુરુષોત્તમે છરી કાઢીને હીરેનના પેટના ભાગે મારી દીધી. હિરેનને મિત્ર વચ્ચે બચાવવા જતા જ્યોત્સનાએ તેના પર પણ લાકડી વડે હુમલો કર્યો હતો. જે બાદ લોકો ભેગા થઈ ગયા હતા અને બાદમાં હિરેનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
પ્રેમિકાએ મૃતક યુવક પર સંબંધ રાખવા દબાણ કર્યાની ફરિયાદ કરી
બીજી તરફ જ્યોત્સનાએ પણ પૂર્વ પ્રેમી હિરેન જાદવ તથા તેના બે મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેનો આક્ષેપ છે કે હિરેન સાથે અગાઉ તેને અનૈતિક સંબંધ હોવાથી તેણે આ સંબંધ રાખવાની ના પાડી હતી અને હાલ પરષોત્તમ સાથે મૈત્રી કરાર હતો. તેમ છતા હિરેન પરાણે સંબંધ રાખવાનું કહીને માથાકુટ કરી હતી. હિરેન અને પરષોત્તમ વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડતા તેને પણ હાથમાં ઈજા પહોંચી હતી તેમજ હિરેન સાથેના શખ્સોએ લાકડીથી માર માર્યો હોવાની વાત જ્યોત્સનાએ ફરિયાદમાં કરી છે.
ADVERTISEMENT