રાજકોટ: ગુજરાતમાં આમ તો કડક દારૂબંધી છે, પરંતુ સરકારી કર્મચારીઓના જ ઘણીવાર દારૂ પાર્ટીના વીડિયો સામે આવી ચૂક્યા છે. ત્યારે રાજકોટમાં મહાનગરપાલિકાની કચેરી બહાર દારૂની 2 ખાલી બોટલો મળતા ચકચાર મચી જવા પામી છે. સોશિયલ મીડિયામાં દારૂની ખાલી બોટલોનો વીડિયો વાઈરલ થતા અડધી રાત્રે કોઈએ પાર્ટી કરી હોવાની શંકા સેવાઈ રહી છે. ત્યારે સમગ્ર મામલે મ્યુનિ. કમિશનર એક્શનમાં આવ્યા છે અને વિજિલન્સ પાસેથી રિપોર્ટ મગાવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આશ્ચર્ય! આણંદ પોલીસે 126 મોબાઈલ શોધ્યા પણ આરોપી એકેય ન પકડાયો ?
મ્યુનિ. કચેરીમાં દારૂની ખાલી બોટલોનો વીડિયો વાઈરલ
રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોનની બ્રાન્ચનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં ઓફિસના ટોઈલેટની બહાર દારૂની ખાલી બે બોટલો, થમ્પઅપની ખાલી બોટલો અને પાણીની બોટલો મળી છે. આ સાથે જ નમકીનના પણ ખાલી પેકેટો મળી આવ્યા છે. ત્યારે રાત્રિ દરમિયાન કોઈએ મનપાની ઓફિસમાં દારૂ પાર્ટી કરી હોય તેવી શંકા સેવાઈ રહી છે. જેને પગલે મ્યુનિ. કમિશનર અમિત અરોરા એક્શનમાં આવ્યા હતા અને વિજિલન્સ પાસેથી રિપોર્ટ મગાવવામાં આવ્યો છે.પોલીસ કચેરીમાં રહેલા સીસીટીવી તપાસશે.
અગાઉ પોલીસ કમિશનરની કચેરી નજીકથી દારૂ ભરેલી કાર મળી
નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ રાજકોટમાં પોલીસ કમિશનરની કચેરી નજીકથી દારૂ ભરેલી કાર મળી આવી હતી. જેની તપાસ કરતા કચેરીમાં જ ફરજ બજાવતો વોર્ડન દીવથી દારૂ લઈને આવ્યો હોવાનું સામે આવ્યું હતું. નંબર પ્લેટ વિનાની કારની તપાસ કરવા જતા આરોપી કરણ પોતે પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો અને દારૂ ભરેલી કાર તેની જ હોવાનું કહ્યું હતું, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT