અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ સરકારી કર્મચારી મંડળના આંદોલનના કારણે સરકારના એક સાંધે ને તેર તૂટે જોવા હાલ થયા છે. વડાપ્રધાન સાથે કમલમમાં બેઠકના બીજા જ દિવસે સરકારે આંદોલનો ડામવા પાંચ મંત્રીઓની કમિટી રચી હતી. જોકે કમિટી દ્વારા વિવિધ માગણી મુદ્દે કર્મચારીઓ મંડળને મૌખિક આશ્વાસન આપી દેવાતા તેમને હવે છેતરાયાનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં કેટલાક મંડળોએ ફરી આંદોલન યથાવત રાખવાની જાહેરાત કરી છે. ત્યારે વિવિધ સંગઠનોને હવે મૌખિત આશ્વાસન નહીં પરંતુ લેખિતમાં આદેશ કે હુકમ જોઈએ છે.
ADVERTISEMENT
મંડળોને મૌખિત વચનો પર વિશ્વાસ નથી
ગુજરાતમાં ઓક્ટોબર કે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની જાહેરાત બાદ આચાર સંહિતાના કારણે સરકાર કોઈ માગણી સ્વીકારી શકશે નહીં. એવામાં કર્મચારીઓ મંડળને હવે સરકારના મૌખિક વચનો પર વિશ્વાસ નથી. ત્યારે તેઓ લેખિતમાં બાંહેધરી માગી રહ્યા છે. સરકારની કમિટી એક મંડળ સાથે સમાધાન કરે ત્યારે બીજુ મંડળ આંદોલન શરૂ કરી દે છે. કર્મચારી મહામંડળના ગાંધીનગરના હોદ્દેદારો માની જાય છે, પરંતુ જિલ્લા કક્ષાના કર્મચારીઓ માનતા નથી. એવામાં કેટલાક મંડળોએ આંદોલન સ્થગિત કર્યું છે, પરંતુ બંધ નથી કર્યું.
આ કર્મચારી મંડળો કરી રહ્યા છે આંદોલન
હાલમાં રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ, માજી સૈનિકો, GISFના જવાનો, નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓ, મહિલા અને બાળ વિકાસના કર્મચારીઓ સહિતના મંડળોએ સરકાર સામે વિવિધ માગણીઓને લઈને બાયો ચડાવી છે. નશાબંધી ખાતાના કર્મચારીઓ આજથી 3 સપ્ટેમ્બર સુધી માસ સી.એલ પર ઉતર્યા છે અને આગામી 5થી 8 સપ્ટેમ્બર દરમિયાન પણ હડતાળની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગના કર્મચારીઓએ પણ 17મી સપ્ટેમ્બરથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT