સુરતમાં ઈલેક્ટ્રિક બાઈકની બેટરી ચાર્જિંગ કરતા ફાટી, બે બાઈક સહિત તમામ ઘરવખરી બળીને ખાખ

સુરત: સુરતના પલસાણામાં એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અંત્રોલી ખાતે એક પરિવાર ઘરમાં ચાર્જિંગ માટે મૂકેલી ઈલેક્ટ્રિક બાઈકની બેટરી રાતના…

gujarattak
follow google news

સુરત: સુરતના પલસાણામાં એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અંત્રોલી ખાતે એક પરિવાર ઘરમાં ચાર્જિંગ માટે મૂકેલી ઈલેક્ટ્રિક બાઈકની બેટરી રાતના સમયે ફાટી હતી. જેના પગલે સમગ્ર ઘરમાં આગચંપીનો બનાવ બન્યો હતો. જોત જોતામાં ઘર આગની લપેટોમાં ઘેરાઈ જતા ઘરમાં રહેલી સમગ્ર ઘરવખરી તથા વાયરીંગ બળીને ખાખ થઈ ગયા હતા. આટલું જ નહીં ઈલેક્ટ્રિક બાઈકની બાજુમાં જ પડેલા બે અન્ય બાઈક પણ સળગી ગયા હતા. વહેલી સવારે 4 વાગ્યે આ ઘટનાથી પરિવારે બુમાબુમ કરી મૂકી હતી.

પરિવાર કંઈ સમજે તે પહેલા જ આખું ઘર આગની જ્વાળામાં ઘેરાયું
અંત્રોલીમાં ઈલેક્ટ્રિક બાઈકનો ઉપયોગ કરતા પરિવારે રાતના સમયે ઘરમાં બેટરી ચાર્જિંગ માટે મૂકી હતી. જે સવારે એકાએક ધડાકા સાથે ફાટી હતી. પરિવારજનો કંઈ સમય તે પહેલા જ આખા ઘરમાં આગની લપેટોમાં ઘેરાઈ ગયું, એવામાં જીવ બચાવવા બધા ઘરની બહાર દોડી ગયા હતા.બીજી તરફ પરિવારે બુમાબુમ કરતા આસપાસથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આગચંપીના બનાવ બાદ ફાયરવિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જેમણે આગ પર કાબુ મેળવ્યો હતો.

6 દિવસ પહેલા સુરતના સચિનમાં પણ ઈલેક્ટ્રિક વાહનમાં આગનો બનાવ
નોંધનીય છે કે, ઈલેક્ટ્રિક વાહનોની બેટરીમાં બ્લાસ્ટ થવાની આ પહેલી ઘટના નથી. હજુ 6 દિવસ પહેલા જ સુરતમાં કરિયાણાની દુકાનમાં ચાર્જિંગમાં મૂકેલી ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં બોમ્બ જેવો બ્લાસ્ટ થયો હતો. સચિન વિસ્તારમાં વાહનની બેટરી ફાટતા દુકાન અને ઘરમાં રહેલા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે 3 જેટલા લોકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં પણ દુકાનનો બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

    follow whatsapp