અમદાવાદઃ ઈલેક્શન કમિશન આજે શુક્રવારે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે. આ દરમિયાન ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતાઓ જણાઈ રહી છે. તેવામાં ગુજરાત તકે ભાજપના નેતા મહેશ કસવાળા સાથે ચૂંટણી માટે પાર્ટી કેટલી તૈયાર છે, એ મુદ્દે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપ સુપર એક્ટિવ છે. અમે 5 વર્ષથી માત્ર ચૂંટણીલક્ષી કામ કર્યું છે. અત્યારે લોકશાહીના પર્વ નિમિત્તે અમે સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા સતત તૈયાર રહ્યા છીએ. તેવામાં ચૂંટણી આવે ત્યારે જ અમે એક્ટિવ હોઈએ એવું નથી. ભાજપ સતત વિકાસલક્ષી કામ કરવા માટે કાર્યરત રહે છે.
ADVERTISEMENT
24 કલાક ભાજપ ચૂંટણીલક્ષી કામ કરવા તૈયાર
ગુજરાતમાં પહેલીવાર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ઈફેક્ટ વચ્ચે મહેશભાઈએ કહ્યું કે અત્યારે AAPની ઈફેક્ટથી ભાજપ પર કોઈ અસર થઈ શકશે નહીં. અગાઉ પણ ઈતિહાસ પર નજર કરીએ તો ત્રિપાંખિયા જંગ થયા જ છે. ભાજપ, જનતા ગળ કે પછી કોંગ્રેસ પાર્ટી વચ્ચે પણ ટક્કરો થઈ છે. પરંતુ ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર જોરદાર રહી છે. જેથી આમ આદમી પાર્ટીની કોઈ ઈફેક્ટ થાય એમ લાગી રહ્યું નથી.
ભાજપના નેતા મહેશ કસવાળાએ વધુમાં કહ્યું કે ગુજરાતમાં દ્વિપક્ષીય રાજનીતી હંમેશા રહી છે. આ વખતે પણ ભાજપ જ જીતશે. કારણ કે ગુજરાતમાં 27 વર્ષમાં વિકાસના કામ કરી નવી દિશા આપી છે. અત્યારે જે પ્રમાણે પરિણામ આવશે એ ભાજપની તરફેણમાં આવી શકે છે.
ભાજપે તમામ આંદોલનોમાંથી માર્ગ કાઢ્યો છે. આ વખતે પણ ઘણા રાજકીય પક્ષોની નજર આંદોલનો પર હતી. અમેરિકા જેવા દેશોમાં પણ મોંઘવારીના મુદ્દાઓ સામે આવ્યા છે. ભારતનું અર્થતંત્ર અત્યારે ઘણુ મજબૂત છે. તેવામાં રાજ્યની અંદર મોંઘવારી પર કાબૂ રાખી શકાય છે.
ADVERTISEMENT