Mahadev Sattebaji App Case: છત્તીસગઢમાં ચૂંટણીના માહોલ વચ્ચે કેન્દ્રીય તપાસ એજન્સી EDએ મોટો દાવો કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે (3 નવેમ્બર) જણાવ્યું કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે એજન્સી આગળની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
CM ભૂપેશ બઘેલે કર્યો વળતો પ્રહાર
EDના આ દાવા પર છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કોઈની છબી ખરાબ કરવી સરળ છે. કોઈની સાથે મારપીટ કરીને મુખ્યમંત્રીની વિરુદ્ધ આવું બોલાવી દો. આનાથી મોટો મજાક બીજો શું હશે? તેમણે કહ્યું, EDની ચાલાકી તો જુઓ કે તે વ્યક્તિનું નિવેદન જાહેર કર્યા પછી એક ટૂંકા વાક્યમાં લખ્યું છે કે નિવેદન તપાસનો વિષય છે. જો તપાસ થઈ જ નથી તો પછી એક વ્યક્તિના નિવેદન પર પ્રેસ રિલીઝ જાહેર કરવી એ માત્ર EDના ઈરાદા જ નહીં પરંતુ તેની પાછળ કેન્દ્ર સરકારના ખરાબ ઈરાદાઓને પણ છતા કરે છે.
કોંગ્રેસે શું કહ્યું?
ઈડીના નિવેદન પર કોંગ્રેસે પણ તીખી પ્રતિક્રિયા આપી અને PM મોદી પર નિશાન સાધ્યું. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, “છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપને હાર દેખાઈ રહી છે, જેથી પીએમ મોદીએ પોતાના એકમાત્ર બચેલા અસ્ત્ર, મોદીઅસ્ત્ર (ED)નો કોંગ્રેસ નેતાઓની છબી ખરાબ કરવા માટે ઉપયોગ કર્યો છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “છત્તીસગઢ અને રાજસ્થાનની જનતા કોંગ્રેસ પાર્ટીનું કવચ છે. વડાપ્રધાન નરેનદ્ર મોદીની ડરાવવાની રણનીતિ મતદારોના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. તેઓ જાણે છે કે આ માત્ર ચૂંટણી ડ્રામા છે જે ભાજપની હતાશાને દર્શાવે છે.”
2 નવેમ્બરે EDએ જપ્ત કર્યા હતા રૂ.5.39 કરોડ
આપને જણાવી દઈએ કે, ઈડીએ ગુરુવારે (2 નવેમ્બર) જ છત્તીસગઢમાં મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં 5 કરોડ 39 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આમાં રૂ. 15.59 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ પણ ફ્રીઝ/જપ્ત કરવામાં આવ્યું હતું.
EDએ શું કહ્યું?
EDએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “અસીમ દાસની પૂછપરછ, તેમની પાસેથી મળી આવેલા ફોનની ફોરેન્સિક તપાસ અને શુભમ સોની (મહાદેવ નેટવર્કના ઉચ્ચ કક્ષાના આરોપીઓમાંથી એક) દ્વારા મોકલવામાં આવેલા ઈમેલની તપાસમાં ઘણા ચોંકાવનારા આરોપો સામે આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે મહાદેવ એપના પ્રમોટર્સ ભૂતકાળમાં ભૂપેશ બઘેલને નિયમિત પેમેન્ટ કરતા હતા અને અત્યાર સુધીમાં લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.”
ADVERTISEMENT