અમરેલી: જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા મીતીયાળા ગામમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. બહાર કડકડતી ઠંડી વચ્ચે જંગલી પશુઓનો ભય અને ઘરમાં ભૂકંપનો ભય વચ્ચે રહેતા લોકો આજે ફરી ધરા ધ્રૂજતા ફફડી ઉઠ્યા હતા. મીતીયાળા અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો હતો. સવારના 7.52, 7.53 અને 7.55 એમ 4 મિનિટમાં જ ભૂકંપના ત્રણ વખત આંચકા આવતા ગામજનોમાં ભય ફેલાઈ ગયો છે.
ADVERTISEMENT
બે મહિનાથી મીતીયાળા સહિતના આસપાસના ગામોમાં ભૂકંપ
છેલ્લા બે મહિનાથી મીતીયાળા સહિત આસપાસના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે આજે પણ સવારમાં મીતીયાળા, બાગોયા, સાકરપરા, ધજડી સાથે ખાંભાના વાડ, વાંકિયા ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકો મુજબ, આજના આંચકાની તીવ્રતા છેલ્લા બે મહિનામાં સૌથી વધુ હતી. ભૂંકપને પગલે ગ્રામજનોમાં સતત ભયનો માહોલ છવાયો છે. છાસવારે આવતા આ ભૂકંપના આંચકાના પગલે જીવ બચાવવા લોકો ઘરની બહાર જ આખો દિવસ રહેવા મજબૂર બન્યા છે.
ગાંધીનગરની ટીમ અમરેલી પહોંચી હતી
નોંધનીય છે કે, બે અઠવાડિયા પહેલા ગાંધીનગર ખાતેથી સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ સાથે મીતીયાળા ગામે તપાસ માટે પહોંચી હતી. મીતીયાળા વાસીઓ સાથે તેમણે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના નાના આંચકાઓ આવે છે. ગુજરાતમાં સૌથી વધુ ભૂકંપના આંચકાઓ કચ્છમાં આવે છે તે ઝોન 1 માં આવે છે. બીજા ઝોનમાં રાજકોટ જામનગર જેવા મહાનગરો આવે છે.
જ્યારે અમરેલી જિલ્લો ઝોન 3 માં આવતો હોવાનું ગાંધીનગર સિસમોલોજી સેન્ટના સાયન્ટીસ્ટ ડો. શિવમ જોશી અને ડો.વિનય દ્વિવેદીએ મિતિયાળા વાસીઓને જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, નાના નાના ભૂકંપના આંચકાઓથી ગભરાવાની જરૂર નથી. રાજ્યભરમાં સિસમોલોજી સેન્ટર માટે 152 જેટલા મશીનો આખા ગુજરાતમાં મુકવામાં આવ્યા છે. લોકોને અપીલ કરવા સાથે સમજાવટ કરી હતી કે, ભૂકંપથી ડરવાની જરૂર નથી.
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા)
ADVERTISEMENT