દ્વારકા: ચીન સહિત હાલમાં દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. એકબાજુ તાજેતરમાં જ દેશમાં કોરોના સંક્રમણને લઈને મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં ગુજરાતની પણ ઘણી હોસ્પિટલોએ સામેલ થઈ હતી. જોકે આ વચ્ચે યાત્રાધામ દ્વારકામાં આવેલી સરકારી હોસ્પિટલમાં 50 ટકા વધુ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય પબુભા માણેકે પત્ર લખીને મુખ્યમંત્રીને તાત્કાલિક આ જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરી છે.
ADVERTISEMENT
દ્વારકામાં 100 બેડની સરકારી હોસ્પિટલ
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે, દ્વારકાના પવિત્ર યાત્રા ધામમાં સરકારી હોસ્પિટલને 100 બેડનો દરજ્જો મળ્યો છે. ઓખામંડળ તાલુકામાં 42 ગામ આવેલા છે અને તેમાં બે નગરપાલિકા પણ છે. દ્વારકા પવિત્ર યાત્રાધામ હોવાથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે, હાલ કોવિડ જેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવા તાત્કાલિક ભરવા માટે મારી ભલામણ છે.
કેટલી જગ્યાઓ ખાલી છે?
પત્રમાં પબુભાએ ખાલી જગ્યાઓ અને મંજૂર થયેલી જગ્યાઓની પણ માહિતી આપી છે. જે મુજબ દ્વારામાં અધિક્ષક વર્ગ-1, ફિઝિશીયન, સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, એનેસ્થેટીસ્ટની 1-1 જગ્યાઓ, તબીબી અધિકારી વર્ગ-2ની 3 જગ્યાઓ, ડેન્ટીસ્ટ સર્જનની 1 જગ્યા, હેડ નર્સની 1 જગ્યા અને સ્ટાફ નર્સની એક જગ્યા એમ કુલ 11 જગ્યાઓ ખાલી છે. જ્યારે 22 જગ્યાઓ મંજૂર થઈ છે તેમાંથી 11 જગ્યા જ ભરાઈ છે. એટલે કે 50 ટકા જગ્યા હજુ પણ સરકારી હોસ્પિટલમાં ભરવામાં આવી જ નથી.
(વિથ ઈનપુટ: રજનીકાંત જોશી)
ADVERTISEMENT