સુરત: સુરતમાં ફરી એકવાર ખુની ખેલ ખેલાયો છે. શહેરના અટલજીનગરમાં કારખાનામાં કામ કરતા ઓડિશાના યુવાનોની બે ગેંગ વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો. વહેલી સવારે એક ગેંગના હુમલામાં બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે બે યુવકો ગંભીર ઈજાગ્રસ્ત થતા તેમની હાલત નાજુક છે. ત્યારે હાલમાં પોલીસે આ ગેંગવોરમા 5 જેટલા યુવકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ઓરિસ્સાના યુવકો વચ્ચે થયો હતો ગેંગવોર
ઓડિશાની ગેંગ વચ્ચે થયેલા આ લોહીયાળ જંગમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે બંને ગેંગ વચ્ચે દારૂના ધંધામાં હરિફાઈ હતી, જેને લઈને આ ગેંગવોર થઈ હતી. એવામાં છનો માલિયો અને દીનો ગેંગના લોકો એકબીજા પર તૂટી પડ્યા હતા. આ ગેંગવોરમાં 2 યુવકોના દર્દનાક મોત નિપજ્યા હતા. જ્યારે બે યુવકોની હાલત હાલમાં નાજુક છે. બંને ગેંગના લોકો મૂળ ઓડિશાના વતની હોવાનું સામે આવી રહ્યું છે.
પોલીસે 5 હુમલાખોરોની અટકાયત કરી
ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અટલજીનગરમાં કાપડના કારખાનામાં કામ કરતા બે ગ્રુપો વચ્ચે વહેલી સવારે બબાલ થઈ હતી. જેમાં સાત કરતા વધુ લોકોએ કેટલાક યુવાનો પર જીવલેણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે યુવકોને હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન જ તેઓ મોતને ભેટ્યા હતા. હુમલાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં પોલીસે હુમલાખોરોમાંથી 5 જેટલા યુવકોની અટકાયત કરી લીધી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT