અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી ઉમેદવારોની યાદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપે બહાર પાડેલી 160 ઉમેદવારોની યાદીમાં ઘણા દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ ગયા છે. આના કારણે હવે તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં કેટલાક દ્વારા આક્રોશ રેલી કાઢવામાં આવી રહી છે તો કેટલાક નેતાએ અપક્ષ ચૂંટણી લડવાનું મન પણ બનાવી લીધું છે. ચલો આપણે આનાથી રાજકારણમાં નવાજૂનીના એંધાણ થઈ શકે એના પર નજર કરીએ….
ADVERTISEMENT
કરજણ બેઠક પર નવા જૂનીના એંધાણ
ભાજપમાં કરજણ બેઠક પર અત્યારે નવાજૂનીના એંધાણ છે. ઉલ્લેખનીય છે કે 2022ની ચૂંટણીમાં અહીંથી ઉમેદવારી માટે સતીશ નિશાળીયા અને અક્ષય પટેલ વચ્ચે કાંટાની ટક્કર હતી. તેવામાં ભાજપે અક્ષય પટેલને ટિકિટ આપી દેતા સતીશ નિશાળીયાના સમર્થકોમાં ભારે રોષ પ્રસર્યો છે. ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સતીશ નિશાળિયાએ પોતાના કાર્યલયમાંથી ભાજપના બેનર દૂર કર્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. હવે રાજકારણમાં નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે.
વાઘોડિયા બેઠક પરથી મધુશ્રીવાસ્તવનું પત્તું કપાયું
મધુ શ્રીવાસ્તવને વાઘોડિયા બેઠક પરથી ટિકિટ મળી નથી. ઉલ્લેખનીય છે કે એક વાર અપક્ષ અને પછી ભાજપથી મધુ શ્રીવાસ્તવ સતત 6 ટર્મથી ચૂંટાતા આવે છે. તેવામા આ ચૂંટણીમાં અશ્વિન પટેલને ટિકિટ મળતા મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાયું છે. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે અપક્ષ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જો આમ થયું તો મધુ શ્રીવાસ્તવની એ બેઠક પર શાનદાર પકડ છે એને જોતા ત્યાં હાર જીતના અંતરમાં ફેરફાર થઈ શકે તથા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષનો પડકાર પણ ઉભો થઈ શકે છે.
દિનેશ પટેલનું ભાજપથી પત્તુ કપાતા અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય
ભાજપની યાદી જાહેર થઈ જતા વડોદરાના પાદરામાંથી ચૈતન્યસિંહ ઝાલાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. તેવામાં દિનેશ પટેલ ઉર્ફે દિનુમામાનું પત્તું કપાઈ જતા રાજકારણ ગરમાયું છે. જોકે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે દિનુમામા હવે અપક્ષ ચૂંટણી લડવા સજ્જ છે. આ અંગે પહેલા તેમણે સમર્થકો સાથે મંથન કર્યું અને પછી નિર્ણય લીધો હોવાના અહેવાલો મળી રહ્યા છે. વિગતો પ્રમાણે દિનુમામા 17 તારીખે સવારે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જઈ શકે છે.
ADVERTISEMENT