અમદાવાદ: અંબાજીમાં આવેલા માતાના મંદિરના ગર્ભગૃહમાં ગુપ્ત પૂજા કરવાને લઈને વિવાદ સર્જાયો છે. માતાજીની પૂજા કરતા ભટ્ટજી પરિવારના પૂજારીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને તેમના ભત્રીજાઓને ગુપ્ત પૂજા સામે વાંધો ઉઠાવ્યો છે. કાકા-ભત્રીજાઓ વચ્ચે ગુપ્ત પૂજાનો વિવાદ કોર્ટ સુધી પહોંચતા હાઈકોર્ટે આ મામલે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વારસાગત પૂજા અટકાવી શકાશે નહીં તેવી ટકોર કરી હતી. સાથે જ હાઈકોર્ટે કલેક્ટર, પરંપરાગત પૂજારી પરિવાર અને સરકારને નોટિસ પાઠવી છે.
ADVERTISEMENT
કાકા-ભત્રીજાઓ વચ્ચે માતાજીની પૂજાને લઈને વિવાદ
સરકારે અંબાજી મંદિરમાં પૂજા અંગે ટ્રસ્ટના બનાવેલા નવા નિયમો મુજબ માતાજીની સેવા-પૂજાનો અધિકાર કાંતિલાલ ઠાકરને આપ્યો હતો. કાંતિલાલ ઠાકરનું 1984માં અવસાન થયું હતું. કાંતિલાલ ઠાકરને બે પુત્રો હતા, મહેન્દ્ર ઠાકર અને દેવીપ્રસાદ ઠાકર. જોકે અવસાન બાદ કાંતિલાલના વીલ મુજબ સરકારે તેમના મોટા પુત્ર મહેન્દ્ર ઠાકરને મંદિરની સેવાનો વહીવટ સોંપ્યો હતો. જોકે થોડા સમય પહેલા મહેન્દ્ર કુમારનું પણ અવસાન થતા તેમના બે પુત્રો મંદિરના પૂજારી તરીકેનો વહીવટ મેળવવા માટે સરકારમાં અરજી કરી હતી. જેની સામે કાંતિલાલ ઠાકરે પણ બીજા પુત્ર તરીકે દેવીપ્રસાદે પૂજાનો હક જાળવી રાખવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ઓગસ્ટ સુધી મહેન્દ્રકુમાર અને દેવીપ્રસાદ સાથે કરતા પૂજા
નોંધનીય છે કે, ઓગસ્ટ 2022 સુધી મહેન્દ્ર કુમાર અને દેવીપ્રસાદ રોટેશનના આધારે અન્ય પૂજારીઓના દીકરાઓ સાથે મળીને પૂજા કરતા હતા. વહીવટ વિભાગની પૂજારીઓની યાદીમાં મહેન્દ્રકુમારનું નામ હતું, પરંતુ દેવીપ્રસાદ પણ તેમની સાથે પૂજામાં જતા હતા. ઓગસ્ટમાં મહેન્દ્રકુમારનું અવસાન થતા તેમના બે દીકરાઓએ પોતાના વારસાગત અધિકારોનો દાવો કર્યો હતો અને ગર્ભગૃહમાં દેવીપ્રસાદના પ્રવેશ અને પૂજાના હકનો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT