અમદાવાદ: વિરમગામથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટો ઝટકો લાગ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સામે આંચરસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી રહ્યે છે. જોકે કોર્ટની મુદત દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલની ધ્રાંગધ્રાના હરિપર ગામમાં સભા યોજાઈ હતી. આ સભામાં આચારસંહિતાનો ભંગ થયો હતો અને આ બદલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. આ મામલે ધ્રાંગધ્રા કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે. જેની સુનાવણી માટે મુદત આપવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ ચાલી રહ્યો છે કેસ
નોંધનીય છે કે, નિકોલના વર્ષ 2018નો એક કેસ પણ હાર્દિક પટેલ પર ચાલી રહ્યો છે. જેમાં જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. જેના કારણે કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. જોકે 8મી ફેબ્રુઆરીએ ફરી તેઓ ગેરહાજર રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ટકોર કરી હતી. જ્યારે પાટીદાર આગેવાનોએ પણ કોર્ટ પરિસરમાં જ હાર્દિક પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
જામનગર કેસમાં પાંચ વર્ષે હાર્દિક પટેલ નિર્દોષ
બીજી તરફ તાજેતરમાં જ જામનગર કોર્ટે હાર્દિક પટેલ સામે ચાલી રહેલા 2017ના એક કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. 4 નવેમ્બર 2017ના રોજ પાસ કન્વીનર હાર્દિક પટેલ તથા કન્વીનર અંકિત ઘાડીયા દ્વારા જામનગર નજીક ધુતારપુર-ધૂળશિયા ગામે પાટીદાર સમાજનું સામાજિક સુધારણા અને શૈક્ષણિક તથા ખેડૂતોનાં પ્રશ્નોને લગતી પ્રશ્નોનાં નિરાકરણ માટે એક સભા યોજવામાં આવી હતી. આ સભામાં લાઉડસ્પીકર, વિડિયોગ્રાફી, પંચો તથા સાહેદોના નિવેદનોના આધારે વિવાદાસ્પદ ભાષણો અંગે, 12 જાન્યુઆરી 2018ના રોજ જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ તથા અંકિત પટેલ વિરૂદ્ધ જીપી એકટની કલમ-36(3) તથા 72(2) તથા કલમ-134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટમાં સુનાવણી બાદ હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરાયા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT