દેવાયત ખવડ 6 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર, મયુરસિંહના પરિવારે પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ

રાજકોટ: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલા બાદથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર દેવાયત ખવડ લાકડી…

gujarattak
follow google news

રાજકોટ: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલા બાદથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર દેવાયત ખવડ લાકડી લઈને તૂટી પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે બાદ મયુરસિંહના પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. જોકે ઘટનાના 6-6 દિવસ થવા છતાં હજુ સુધી દેવાયક ખવડ પોલીસની પહોંચથી દૂર છે. તેનો પરિવાર ક્યાં છે તે પણ પોલીસને ભાળ મળી શકી નથી. ત્યારે હવે પીડીત મયુરસિંહના પરિવારે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

મયુરસિંહના પરિવારની ઉગ્ર આંદોલનની ચીમકી
મયુરસિંહના પિતરાઈ ભાઈ પ્રદીપસિંહ ઝાલા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં તેમણે દેવાયત ખવડને પોલીસ છાવરી રહી હોય તેવા આક્ષેપ કર્યા છે. પોલીસ મારા ખિસ્સામાં છે તેવી દેવાયત ખવડ અને તેના ભાઈઓ દ્વારા વાત કરવામાં આવે છે. જો 48 કલાકમાં દેવાયત ખવડને પકડવામાં નહીં આવે તો મયુરસિંહ રાણાના પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવશે અને આગામી દિવસોમાં પણ તે નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરાશે.

પોલીસ પર દેવાયત ખવડને છાવરવાનો આક્ષેપ
મયુરસિંહના પરિવારે વધુમાં કહ્યું કે, દેવાયત ખવડ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં મારામારી, હુમલો તથા ધાકધમકી આપ્યા સહિતની કલમો હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે. જે કેસો હજુ પેન્ડીંગ છે. દેવાયત ખવડને પોલીસ અધિકારીઓ સાથે સાઠગાંઠ છે જેના કારણે કોઈ પડદા પાછળથી તેને સાથ આપી રહ્યું છે. અમારી મુખ્ય માગણી છે કે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

પોલીસથી બચવા ભૂગર્ભમાં ઉતર્યો દેવાયત ખવડ
રાજકોટના સર્વેશ્વર ચોક નજીક લોકસાહિત્યકાર દેવયત ખવડે મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાનો વીડિયો સામે આવતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂક્યો હતો અને મયુરસિંહ રાણાના માતા સહિત ક્ષત્રિય સમાજની મહિલાઓએ પોલીસ કમિશનરને મળીને દેવાયત ખવડની ધરપકડ કરવાની માગણી કરી હતી. જોકે પોલીસ જ્યારે દેવાયત ખવડના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું મારેલું હતું. ઉપરાંત તેનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. પોલીસથી બચવા હુમલા બાદ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. અગાઉ પણ મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ પાર્કિંગની માથાકૂટ મુદ્દે સામ સામે આવી ચૂક્યા હતા. જોકે તે સમયે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

    follow whatsapp