ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને લોકશાહીના આ મહત્ત્વપૂર્ણ પર્વ નિમિત્તે ન્યૂઝીલેન્ડથી કાંતિભાઈ મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ જેમ બને એટલા વધુ પરિવારો મતદાનમાં જોડાય એના માટે સંકલ્પ લેવડાવ્યો છે. તેમણે ડિજિટલ યુગમાં અનોખી રીતે લોકોને સંકલ્પ અપાવતા લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ચલો આપણે વિગતવાર આના પર નજર કરીએ….
ADVERTISEMENT
ન્યૂઝિલેન્ડથી મતદાન જાગૃતિ અભિયાન
જુનાગઢની ગોકુલધામ સોસાયટીમાં રહેતા કાંતિભાઈ ઝાંઝરૂકિયા અત્યારે ન્યૂઝીલેન્ડમાં વસવાટ કરે છે. જોકે તેમનો ભારત દેશ પ્રત્યેનો પ્રેમ હજુ પણ વધારે છે. તેવામાં ગુજરાતમાં ચૂંટણી દરમિયાન લોકોને મતદાન માટે જાગૃત કરાવવા માટે સતત તેઓ પ્રયાસ કરી રહ્યા છે. કાંતિભાઈએ પોતાના આ અભિયાન અંગે જણાવ્યું હતું કે આગામી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢમાં મહત્તમ લોકો મતદાન કરે એ માટે મેં એક વોટસઅપ ગ્રુપ બનાવ્યું છે અને તેમાં જોઈન થનારા તમામ લોકોને મતદાન કરવા સંકલ્પ લેવડાવું છું.
જે આ ગ્રુપમાં જોડાય છે તેમને ‘ હું મતદાન કરવા તૈયાર છું’ એવો મેસેજ કરવાનો હોય છે. અત્યારસુધીમાં મેં 100 પરિવારોને મતદાન કરવા અંગે સંકલ્પ લેવડાવ્યો છે. મારો પ્રયાસ છે જે મતદાર મતદાન બુથ સુધી આવે અને મન હોય તેને મત આપે પરંતુ પોતાનો અમૂલ્ય મત અવશ્ય આપે.
મત કોઈને પણ આપો, મતદાન જરૂરી છે
કાંતિભાઈએ વધુમાં કહ્યું કે મત કોઈને પણ આપો પરંતુ મતદાન જરૂર કરો. દેશની લોકશાહી બચાવવા મતદાન જરૂરી છે. તેમના આવા મેસેજ લોકો માટે પ્રેરણારૂપ બને છે અને વધુમાં વધુ લોકો આ ગ્રુપમાં જોડાઈ સંકલ્પ લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જુનાગઢમાં જિલ્લા કલેકટરે 82%મતદાનનું લક્ષ્યાંક રાખ્યુ છે. જે સાર્થક કરવા માટે કાંતિભાઈની જેમ દરેક વ્યક્તિ એ જાગૃત થવાની જરૂર છે તો જ દેશની લોકશાહી બચાવી શકાશે.
ADVERTISEMENT