અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખ પણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં દિલ્હીથી મોટા નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીને લઈને ગુજરાતમાં દિલ્હીના નેતાઓની આખી ફોજ ઉતારવામાં આવી રહી છે. જેમાં 10 ઓક્ટોબર સુધી 12 કેન્દ્રિય મંત્રીઓ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ વચ્ચે હવે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને એક નિવેદન આપ્યું છે, જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ADVERTISEMENT
કેજરીવાલે ટ્વીટ કરીને શું કહ્યું?
ભાજપના દ્વારા એક સાથે આટલા બધા કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, ખબર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ એક-એક કેન્દ્રિય મંત્રી અથવા કોઈ મુખ્યમંત્રીને ડ્યૂટી લગાવી રહી છે. આટલો ડર? આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકોનો છે જે ભાજપથી નારાજ છે અને એટલે જ હવે ઝડપથી ‘AAP’માં જોડાઈ રહ્યા છે.
મિશન 182 માટે ભાજપની પુરજોશમાં તૈયારી
નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં જ મોદી સરકારના 3 જેટલા મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. એવામાં ચૂંટણી ટાણે મોદી સરકારના મંત્રીઓ એક બાદ એક ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચારના ધમધમાટમાં સહભાગી થશે. તાજેતરમાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે કમલમમાં એક બાદ એક ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી લક્ષી બેઠકો કરી હતી. એવામાં સ્પષ્ટ છે કે ભાજપ આ ચૂંટણીમાં મિશન 182 માટે કમર કસી લીધી છે અને વધુથી વધુ બેઠકો જીતવા માટે પ્રયાસ કરી રહ્યું છે.
આ કેન્દ્રિય મંત્રીઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે
મીનાક્ષી લેખી
બી.એલ વર્મા
વિરેન્દ્ર કુમાર
સ્મૃતિ ઈરાની
સાધ્વી નિરંજન જ્યોતિ
અજય ભટ્ટ
ભુપેન્દ્ર યાદવ
કિરણ રિજીજુ
પ્રતિમા ભૌમિક
ભાનુ પ્રતાપ સિંહ વર્મા
અર્જુન મુંડા
ગિરીરાજ સિંહ
ADVERTISEMENT