SRH vs DC: દિલ્હી કેપિટલ્સે હૈદરાબાદને 7 રને હરાવ્યું, અક્ષર પટેલનું ઓલરાઉન્ડ પ્રદર્શન, મુકેશ કુમાર ‘હીરો’ બન્યો

હૈદરાબાદ: રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની રોમાચંક મેચમાં દિલ્હી કેપિટલ્સનો 7 રને વિજય થયો છે. અંતિમ ઓવર સુધી ચાલેલી આ રસાકસી…

gujarattak
follow google news

હૈદરાબાદ: રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની રોમાચંક મેચમાં દિલ્હી કેપિટલ્સનો 7 રને વિજય થયો છે. અંતિમ ઓવર સુધી ચાલેલી આ રસાકસી ભરેલી મેચમાં દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટ 144 રન બનાવીને 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 137 રન જ બનાવી શકી હતી. આમ દિલ્હીએ IPLની આ સીરીઝમાં પોતાની બીજી જીત મેળવી છે. મયંક અગ્રવાલના 49, હેનરિક ક્લાસનના 31 રન ઉપરાંત વોશિંગ્ટન સુંદરે 15 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા. પરંતુ આ રન જીત અપાવી શક્યા ન હતા.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ નવ વિકેટે 144 રન બનાવ્યા હતા. તેની તરફથી મનીષ પાંડે અને અક્ષર પટેલે સૌથી વધુ 34-34 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી વોશિંગ્ટન સુંદરે 28 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારે પણ શાનદાર બોલિંગ કરી હતી અને ચાર ઓવરમાં માત્ર 11 રન આપીને બે વિકેટ ઝડપી હતી. હૈદરાબાદની પીચ બોલરો માટે મદદરૂપ હતી. અહીં આખી મેચમાં માત્ર ત્રણ છગ્ગા જ વાગ્યા હતા. આમાંથી બે દિલ્હીના બેટ્સમેનોએ લગાવ્યા હતા. આ ઉપરાંત 28 ચોગ્ગા પણ માર્યા હતા. હૈદરાબાદના માત્ર ત્રણ બેટ્સમેન ચોગ્ગા ફટકારી શક્યા હતા. મયંકે એકલાએ આમાંથી સાત માર્યા. બંને ટીમ તરફથી કોઈ બેટ્સમેન 50 રન પણ બનાવી શક્યો નહોતો.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની શરૂઆત ઓપનિંગ જોડી બદલ્યા બાદ પણ ખરાબ રહી હતી. ફિલ સોલ્ટ મેચના ત્રીજા બોલ પર ભુવનેશ્વર કુમારના બોલ પર કેચ આઉટ થયો હતો. ત્યારબાદ વોર્નર (21) અને મિચેલ માર્શ (25)એ બીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી નોંધાવી હતી. માર્શ આ ભાગીદારીમાં માર્કો જેન્સનની એક જ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તે નટરાજની ઓવરમાં હૈદરાબાદે ડીઆરએસ દ્વારા તેની વિકેટ મેળવી. વોર્નરે સુંદરની ઓવરમાં સિક્સર ફટકારી હતી, જે આ સિઝનમાં દિલ્હી માટે પાવરપ્લેમાં પ્રથમ સિક્સર હતી. આ સાથે વોર્નરે આ સિઝનમાં સિક્સરનો દુષ્કાળ પણ ખતમ કરી દીધો હતો. પાવરપ્લે બાદ દિલ્હીનો સ્કોર બે વિકેટે 49 રન હતો.

સુંદરે તેની બીજી ઓવરમાં દિલ્હીને ઘૂંટણિયે લાવી દીધું. તેણે પાંચ બોલમાં જ વોર્નર, સરફરાઝ ખાન અને અમન હકીમ ખાનની વિકેટ ઝડપીને દિલ્હીનો સ્કોર પાંચ વિકેટે 62 રન કરી નાખ્યો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિમાં મનીષ પાંડે અને અક્ષર પટેલે છઠ્ઠી વિકેટ માટે 69 રન જોડ્યા અને સ્કોર 131 રન સુધી લઈ ગયા. પરંતુ છેલ્લા 13 બોલમાં દિલ્હીની ઈનિંગ્સ ફરી પડી ભાંગી અને ટીમ 150 રન પહેલા જ ઓલઆઉટ થઈ ગઈ.

145 રનના લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદ માટે હેરી બ્રુક ઝડપી રન બનાવી શક્યો નહીં. પાંચ ઓવર બાદ ટીમનો સ્કોર વિના નુકશાન 31 રન હતો. પરંતુ પાવરપ્લેની છેલ્લી ઓવરના પ્રથમ બોલ પર બ્રુકનો સંઘર્ષ સમાપ્ત થઈ ગયો. નોર્કિયાના ધીમા બોલ પર સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તે બોલ્ડ થઈ ગયો. તેણે 14 બોલ રમ્યા અને સાત રન બનાવ્યા. પાવરપ્લે બાદ હૈદરાબાદનો સ્કોર એક વિકેટે 36 રન હતો. તેનાથી પણ આગળ જતાં દિલ્હીના બોલરોએ હૈદરાબાદના બેટ્સમેનોને રન બનાવવા દીધા ન હતા. 10 ઓવર પછી યજમાન ટીમનો સ્કોર 58 રન હતો.

શાનદાર બેટિંગ કરી રહેલો મયંક 12મી ઓવરમાં અક્ષરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. તે સિઝનની પ્રથમ અડધી સદી ચૂકી ગયો. તેણે 39 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 49 રનની ઇનિંગ રમી હતી. આગલી ઓવરમાં ઈશાંત શર્માએ રાહુલ ત્રિપાઠી (15)ની વિકેટ લીધી હતી. અભિષેક શર્મા પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને પાંચ રન બનાવ્યા હતા. છેલ્લી પાંચ ઓવરમાં 56 રનની જરૂર હતી, જે પિચ પ્રમાણે ખૂબ જ મુશ્કેલ લાગતા હતા.

હેનરિક ક્લાસેન અને વોશિંગ્ટન સુંદરે કેટલાક શોટ રમ્યા હતા. બંનેએ 18મી ઓવરમાં મુકેશ કુમારને ત્રણ ચોગ્ગા ફટકારીને 15 રન બનાવ્યા હતા. જેના કારણે 12 બોલમાં જરૂરી રનની સંખ્યા ઘટીને 23 થઈ ગઈ. પરંતુ નોર્કિયાએ ક્લાસેન (31)ને કેચ કરાવીને દિલ્હીને મોટી સફળતા અપાવી હતી. છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી અને દિલ્હીના માત્ર ચાર ફિલ્ડર બહાર હતા પરંતુ મુકેશે સંયમથી બોલિંગ કરી હતી અને એકપણ લૂઝ બોલ આપ્યો નહોતો. જેના કારણે દિલ્હી આરામથી જીતી ગયું.

    follow whatsapp