નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: ડેડીયાપાડા ખાતે 4 વર્ષ પહેલાં ખાત મુહૂર્ત કરેલી અને બે વર્ષથી તૈયાર થઈ ગયેલી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કેટલાક સમયથી ટલ્લે ચડ્યું છે. બે માળની અદ્યતન સુવિધાઓ સાથે બનેલી સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગના લોકાર્પણ માટે જાણે તંત્રને કોઈ શુભ મુહૂર્ત ન મળતું હોય એવું લાગી રહ્યું છે. 300 જેટલા ગામોની અંદાજીત સાડા ત્રણ લાખ જેટલી વસ્તી ધરાવતા ડેડીયાપાડા તાલુકામાં લોકોને આરોગ્યની સુખાકારી માટે નવી અદ્યતન સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
2 કરોડના ખર્ચે તૈયાર હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ
આ અદ્યતન બિલ્ડિંગમાં અંદાજીત 2 કરોડના ખર્ચે અદ્યતન સાધનો પણ મુકવામાં આવ્યા છે. પણ તંત્ર દ્વારા તેનો વિધિવત લોકાર્પણ ન થતા લોકોને તેનો કોઈ ફાયદો મળી રહ્યો નથી. અદ્યતન સાધનો જેવા કે એક્સ-રે મશીન, અદ્યતન લેબોરેટરી, અદ્યતન બેડ વગેરે જેવી સુવિધા હોસ્પિટલમાં આપવામાં તો આવી છે, પરંતુ આ સાધનોને ચલાવવા માટે યોગ્ય તાલીમબદ્ધ ટેક્નિશિયનની ભરતી ન કરાતા આ સાધનો હાલ તો ધૂળ ખાતા નજરે પડે છે. તો બીજી બાજુ અધિક્ષક વર્ગ -1 અને વર્ગ -2 સહિતના તજજ્ઞ ડોકટર તેમજ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે છે.
દર્દીઓને એક્સ-રે માટે અંકલેશ્વર-સુરત જવું પડે છે
પૂરતા ડોક્ટરો તેમજ સાધનોના અભાવે વર્ષોથી ડેડીયાપાડા તાલુકાના દર્દીઓને રાજપીપળા કે ઝઘડિયા રીફર કરી દેવામાં આવે છે. અકસ્માતના કિસ્સામાં એક્સ-રે કઢાવવા માટે દર્દીઓએ અંકેલેશ્વર કે સુરત જેવા શહેરોમાં જવું પડે છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા આદિવાસી લોકોને મોંઘી ફી પોસાય એમ નથી. ત્યારે સરકાર દ્વારા ગરીબ વર્ગ સુધી પહોંચાડવામાં આવતી સેવાઓ જલ્દી તેમને ઉપલબ્ધ થાય તે જરૂરી છે. નવા સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ જલ્દી થાય તેમજ તેમાં ખૂટતા સ્ટાફની જગ્યાઓ જલ્દી ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ADVERTISEMENT