શક્તિસિંહ રાજપૂત/ બનાસકાંઠાઃ ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે અંબાજી ખાતે આસો નવરાત્રી આઠમના અવસરે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરવા માટે આવે છે. આ પવિત્ર અવસરે અંબાજી મંદિરની હવનશાળામાં દાંતાના રાજવી હવન કરવા માટે આવે છે. જોકે આની પહેલા રાજાના સ્વાગતની ખાસ પરંપરા હોય છે. તેમા હવન પહેલા રાજાનું આદિવાસી પરિવાર દ્વારા સામૈયુ કરીને સ્વાગત કરાય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને આ સંપૂર્ણપણે નિભાવ્યા પછી જ રાજા અંબાજીમાં પ્રવેશ કરી શકે છે. સોમીરા ભાઈ ડુંગાઈચા હાથમાં રાજાનો ફોટો લઈને તેમનું સામૈયું કરે છે.
ADVERTISEMENT
આદિવાસી પરિવારે પરંપરા જાળવી રાખી
દાંતા તાલુકામાં સૌથી વધુ આદિવાસી લોકો નિવાસ કરે છે. આ દરમિયાન ઘણા વર્ષોથી આદિવાસી પરિવાર રાજાના સામૈયા કરવાની પરંપરાને નિભાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દર આસો સુદ નવરાત્રી આઠમ નિમિત્તે દાંતાના રાજાનું આવી રીતે સ્વાગત કરાય છે.
જાણો કેવી રીતે પરંપરા નિભાવાય છે…
- અંબાજી નજીક આદિવાસી પરિવાર રાજાનું સ્વાગત કરે છે. સૌથી પહેલા તેઓ કંકુનું તિલક કરી ફૂલહાર પહેરાવે છે.
- રાજા ગાડીથી નીચે ઉતરીને ખાટલા પર બેસવા માટે જાય છે.
- દાંતા દરબારમાં અંબા માતાની જયનાં નારા લગાડવામાં આવે છે.
- આ દરમિયાન આદિવાસી પરિવાર રાજાનો ફોટો હાથ પર રાખીને રાજાનું સ્વાગત કરે છે.
- આદિવાસી બાળા માથે ઘડો લઈને રાજાનું સ્વાગત કરે છે.
- રાજા આદિવાસી પરિવારની ખબર અંતર પૂછે છે અને અંબાજી જવા માટે રવાના થાય છે.
આસો નવરાત્રી આઠમે રાજપરિવાર મહાહવન કરશે
ઉલ્લેખનીય છે કે આજથી ઘણા વર્ષો પહેલા અંબાજી મંદિરનો વહિવટ રાજા સંભાળતા હતા. આ દરમિયાન આસો નવરાત્રી આઠમ નિમિત્તે રાજા અને તેમના પરિવારજનો અંબાજી મહાહવનમાં જોડાય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ દરમિયાન માત્ર એક જ વાર રાજપરિવાર હવનમાં આહુતી આપે છે અને ત્યારબાદ જ ભક્તો હવનમાં નારિયેળ હોમે છે.
ડુંગાઈચા પરિવાર કરે છે રાજાનું સ્વાગત
સોમીરાભાઈ અમરાભાઇ ડુંગાઈચા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે અમે અમારા ત્રણ ભાઈ સાથે દાંતા રાજવીનું સ્વાગત અને સામૈયુ કર્યું છે. સોમીરાભાઈએ વધુમાં જણાવ્યું કે અગાઉ મારા પિતા અને દાદા દેવાભાઈ રાજાનું સ્વાગત કરતા હતા. અમે આજે પણ આ પરંપરાને જાળવી રાખી છે અને આગળ પણ નિભાવીશું. આજે અમે અંબે માતાની જયનાં નારા પણ લગાવ્યા છે.
ADVERTISEMENT