હેતાલી શાહ/આણંદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો બીજા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. પરંતુ આ વચ્ચે આણંદના બોરસદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં ડાંસર બોલાવી હોવાનો વીડિયો વાઈરલ થતા રાજકારણ ગરમાયું છે. આ વીડિયો ગઈકાલ સાંજનો હોવાનો કહેવાઈ રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે પ્રચાર દરમિયાન બોરસદના દાવોલ ગામમાં સભાને સંબોધિત કરવાના હતા. જોકે આ પહેલા જ ત્યાં ડાંસરનો ડાંસ શરૂ થઈ ગયો. સ્ટેજ પર પાછળ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારના પોસ્ટર લાગ્યા હતા.
ADVERTISEMENT
સ્ટેજ પર ડાંસરે ઠુમકા લગાવ્યા
સૂત્રો મુજબ ખુરશીઓ ખાલી ન રહે અને સભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચે આ કારણે ડાંસર બોલાવવામાં આવી હતી. સ્ટેજ પર ડાંસરના ડાંસ કરવાનો વીડિયો કોઈએ ઉતારી લીધો અને હવે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વખતે જ્યારે અમે કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, દાવોલ ગામમાં મારી સભા હતી, પરંતુ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં આવું કંઈ નહોતું, ત્યાં સ્ટેજ પર માત્ર હું જ હતો’. આમ કહીને તેમણે પોતાનો બચાવ કર્યો હતો.
બોરસદમાં યુપી-બિહાર જેવો માહોલ
જોકે સ્થાનિક લોકો મુજબ, જે પ્રકારે ડાંસર ત્યાં ડાંસ કરી રહી હતી, અને જે પ્રકારનો માહોલ જોવા મળ્યો તે યુપી-બિહાર જેવો માહોલ લાગી રહ્યો હતો. સાથે જ સ્થાનિક લોકોનું કહેવું છે કે ધારાસભ્યએ પોતાના 5 વર્ષના કાર્યકાળમાં કંઈ વિકાસના કાર્યો કર્યા નથી. જેના કારણે લોકો આવી રહ્યા નહોતા. આથી ભીડ ભેગી કરવા માટે ડાંસર બોલાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, બોરસદ વિધાનસભા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીં ભાજપ કેસરીયો લહેરાવવા માટે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યો છે. જેના કારણે બોરસદ વિધાનસભા સીટ હાલમાં ખૂબ ચર્ચામાં છે. હવે જોવાનું રહેશે કે બોરસદમાં કોંગ્રેસ પોતાનો ગઢ બચાવી શકશે કે પછી ભાજપનો ભગવો લહેરાશે.
ADVERTISEMENT