મહિસાગરમાં વધુ એક દલિત પર હુમલો, ખેતરના શેઢા પરના ઝાડની માલિકી મુદ્દે નિવૃત્ત બેંક મેનેજરનું માથું ફોડી નાખ્યું

વીરેન જોશી/મહિસાગર: મહિસાગર જિલ્લામાં વધુ એક દલિત પર હુમલો થયો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામમાં રહેતા નિવૃત્ત દલિત બેંક મેનેજર પર ઝાડની માલિકીની…

gujarattak
follow google news

વીરેન જોશી/મહિસાગર: મહિસાગર જિલ્લામાં વધુ એક દલિત પર હુમલો થયો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામમાં રહેતા નિવૃત્ત દલિત બેંક મેનેજર પર ઝાડની માલિકીની બાબતને લઈને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં માથામાં ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ખેતરના શેઢા પર ઝાડની માલિકીને લઈને તકરાર
વિગતો મુજબ, કોયડમ ગામમાં મણીભાઈ વણકર નિવૃત્ત બેંક મેનેજર તરીકે જીવન ગુજારે છે અને તેમના ગામ નજીક ખેતર આવેલા છે. આ ખેતરના શેઢા ઉપર લીમડાના ઝાડની માલિકીનો બાજુના ખેતર માલિક સાથે વિવાદ ચાલી રહ્યો હતો. ગ્રામજનો દ્વારા ઝાડના માલિકી હકનો નિકાલ કરીને તે મણીભાઈના હોવાનું કહેવાયું હતું. સમાધાન થયાના બીજા દિવસે મણીભાઈ ઝાડ વેચાણે આપવા માટે ઝાડ રાખનારને બતાવવા ગયા. ત્યારે દાંતીયા ગામના અને ખેતરના પડોશી બાબુ પ્રતાપ બારીયા તથા તેની માતા હીરા બારીયા તેમજ તેની પત્ની નંદા દ્વારા ગમે તેમ ગાળો બોલી હતી અને કહેતા હતા કે આ શેઢા વચ્ચે આવેલા ઝાડ અમારી માલીકીના છે અને ગામના માણસોએ જે ન્યાય કર્યો છે તે ખોટો છે. તેમ કહી બાબુ બારીયા જાતિવિષયક ગાળો બોલવા લાગ્યા.

વૃદ્ધ પર લોખંડની પાઈપથી હુમલો
જેથી મણીભાઈએ દ્વારા જાતિવિશે ગમે તેમ નહી બોલવાનું કહેતા બાબુ પ્રતાપ બારીયા એકદમ ઉશ્કેરાઇ ગયા અને લોખંડની પાઇપ વડે નિવૃત્ત બેંક મેનેજર પર હુમલો કરતા ડાબા હાથના બાવળા ઉપર મારી દીધી હતી. તેમજ પાઇપનો બીજો ફટકો માથાના ભાગે મારવા જતા વૃદ્ધ નમી જતા માથાના પાછળના ડાબી બાજુના ભાગે વાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી બાબુ બારીયા ત્યાંથી ભાગી ગયો. જોકે તેની માતા અને પત્નીએ ધમકી આપી કે હવે ઝાડ લેવા આવીશ તો જાનથી મારી નાખીશું. તેમ કહી જાતિવિષયક શબ્દો જતા રહ્યા હતા

પોલીસમાં નોંધાવી ફરિયાદ
ઘાયલ દલિત પ્રૌઢ મણી લાલા વણકરને 108 મારફતે વિરપુરના સરકારી દવાખાનામાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં દલિત પ્રૌઢની સારવાર ચાલી રહી છે. જે બાદ વૃદ્ધે હુમલો કરનાર બાબુ પ્રતાપ બારીયા તથા તેની માતા હીરા બારીયા તેમજ તેની પત્ની નંદા વિરુદ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં દાલબાટીને લઈને દલિત યુવકની હત્યા થઈ હતી
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ પણ મહીસાગર જિલ્લામાં એક દલિત યુવકને દાલબાટીની બાબતમાં હોટલ મલિક સાથે બોલાચાલી થતા હોટલ માલિક અમિત પટેલ તેમજ તેના સાથીદારે રાજુ ચૌહાણ નામના દલિત યુવકને ઢોર માર મારતા દલિત યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સમગ્ર મામલે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી તેમજ દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને ફરીથી આવી ઘટનાઓ ન બને તે માટે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

    follow whatsapp