દિગ્વિજય પાઠક/વડોદરા: IPLની જેમ આ વખતે પહેલીવાર WPL શરુ થવા જઈ રહી છે. વુમન્સ પ્રીમિયર્સ લીગમાં વડોદરાની મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયાને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ઓક્શનમાં ખરીદમાં આવી છે. મુંબઈની ટીમે યાસ્તિકાને રૂ. 1.5 કરોડમાં ખરીદી છે. વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયા હાલમાં વર્લ્ડ કપમાં ભાગ લેવા ગઈ છે અને દરમિયાન ઓક્શનમાં તેને ખરીદવામાં આવી છે. રૂ. 40 લાખની બેસ પ્રાઈસ રાખનારી યાસ્તિકાને 1.5 કરોડમાં ખરીદાતા પરિવારજનો ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
યાસ્તિકાના પિતા નિવૃત્ત સરકારી એન્જિનિયર
યાસ્તિકાની ગણતરી ભારતીય મહિલા ટીમના સૌથી ફિટ પ્લેયર્સમાં થાય છે. તે ધાંસૂ વિકેટકિપિંગની સાથે ટોપ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ પણ કરે છે. વડોદરામાં 1લી ઓક્ટોબર 2000એ જન્મેલી યાસ્તિકાના પિતાનું નામ હરીશ ભાટિયા છે જેઓ નિવૃત્ત સરકારી એન્જિનિયર છે, જ્યારે માતાનું નામ નલીમા ભાટિયા છે અને તેઓ પણ નિવૃત્ત બેંક મેનેજર છે. ટીવી પર દીકરીની ફ્રેન્ચાઈઝીઓ દ્વારા હરાજી થતા તેઓ ટીવી પર જોઈને જેમ જેમ બોલી સતત વધતી ગઈ તેમ તેમ ખુશ થઈ રહ્યા હતા.
માતા-પિતાએ મુંબઈની તમામ મેચોની ટિકિટ બુક કરી નાખી
આ વિશે યાસ્તિકાના પિતા હરીશ ભાટીયાએ Gujarat Tak સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું કે, અમે ખૂબ ખુશ છીએ કે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ તેને ઓક્શનમાં ખરીદી છે અને 1.5 કરોડ આપ્યા છે. આ ખેલાડીઓ માટે ખૂબ સારી બાબત છે કે તેઓ જૂનિયર, સીનિયર તથા અન્ય દેશના તમામ ભેગા મળીને એક ટીમમાં રમશે. આ યાસ્તિકા માટે ખૂબ ફાયદાકારક રહેશે. અમે આખો મહિનો મુંબઈમાં રહીશું અને તમામ મેચો જોઈશું. આ માટે અત્યારથી બધી ટિકિટો બુક કરાવી નાખી છે.
ADVERTISEMENT