જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી આજે ગુરૂવારે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામની યાદી બહાર પાડી દીધી છે. તેવામાં જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. આમાથી હકુભા જાડેજાનું પત્તુ કપાઈ જતા રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT
રિવાબા જાડેજાને ટિકિટ મળી…
જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકિટ મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી હકુભા અને રિવાબા વચ્ચે કાંટાની ટક્કર હોવાના અહેવાલો મળી રહ્યા હતા. પરંતુ અત્યારે હકુભાનું પત્તું કપાઈ ગયું છે અને ભાજપ દ્વારા રિવાબા જાડેજાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે.
રિવાબા સતત જનતાની સેવામાં વ્યસ્ત…
રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભાજપમાં ઘણા એક્ટિવ છે. કોરોના કાળમાં તેમણે લોકોની સેવા કરવા માટે ખાસ કિટની પણ વહેંચણી કરી હતી. આ દરમિયાન મહિલાઓ તથા બાળકોને સહાય કરવા માટેની પણ ઘણી પહેલ કરી છે. જેના પરિણામે જનતા તરફથી પણ રિવાબાને સારું સમર્થન મળી રહ્યું છે.
જ્ઞાતિનું સમીકરણ
જામનગર ઉત્તર બેઠક પર મુસ્લિમ મતદારો તેમજ લેઉઆ પટેલ અને કડવા પટેલ, એસસી અને એસટી મતદારો અને બ્રાહ્મણ અને વણિક મતદારોનું પ્રભુત્વ છે. તો મુસ્લિમ મતદારોની સંખ્યા 13.86 ટકા, આહીર સમાજ 5.69 ટકા, SC અને ST મતદારોની સંખ્યા 14.92 ટકા છે.
વિસ્તારની સમસ્યા
કોર્પોરેશન અને પોલીસની અવદશાની સાથે જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. જામનગર શહેર રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇનની સુવિધા અને પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો 2022ની વિધાનસભા ચૂંટણી લડી શકે છે.
2017નું ગણિત…
જામનગર ઉત્તર વિધાનસભા સીટ જનરલ સીટ છે. આ સીટ પર 263375 મતદારો નોંધાયા છે. જેમાંથી 134699 પુરુષ મતદારો તથા 128675 મહિલા મતદારો છે. જ્યારે અન્ય 1 મતદાર છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર જીવનભાઈ આહીર મેદાને હતા. જેમાં ભાજપના ઉમેદવારને 84327 મત (58.95%) મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 43364 મત (30.31%)મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર હકુભા જાડેજા વિજેતા થયા હતા.
ADVERTISEMENT