નવી દિલ્હી: કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતીશ રાણાની પત્ની સચી મારવાહે ફરિયાદ નોંધાવી છે જે બાદ રાજધાની દિલ્હીમાં ફરી મહિલા સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. હકીકતમાં, જ્યારે સચી મારવાહ દિલ્હીમાં પોતાની કારમાં ઘરે પરત ફરી રહી હતી, ત્યારે બે અજાણ્યા છોકરાઓ તેની પાછળ આવ્યા હતા. એટલું જ નહીં, બાઇક પર સવાર બંને છોકરાઓએ કારને પણ ટક્કર મારી હતી. મોડે મોડે એક્શનમાં આવેલી દિલ્હી પોલીસે આ મામલે એક આરોપીને પકડી લીધો છે.
ADVERTISEMENT
ક્રિકેટરની પત્નીએ ટ્વીટર પર જણાવ્યો કિસ્સો
સચી મારવાહે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ ભયાનક ઘટનાની વિગતો શેર કરી. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અનુસાર, તેણે આ અંગે દિલ્હી પોલીસને પણ ફરિયાદ કરી હતી, પરંતુ તેને તેમની તરફથી કોઈ મદદ મળી ન હતી. જ્યારે તેણે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસ દ્વારા તેને કહેવામાં આવ્યું કે તેમને જવા દેવા જોઈએ કારણ કે તે પહેલેથી જ ‘સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગઈ છે.’
પોલીસે તેમને આ ઘટના વિશે સલાહ આપી કે જો આગલી વખતે આવી ઘટના બને તો તેઓ બદમાશોના વાહનના નંબરો નોંધી લે. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બંને બાઇક રાઈડર્સનો ફોટો શેર કરતા લખ્યું, ‘દિલ્હીમાં એક સામાન્ય દિવસ, હું કામ પરથી ઘરે પાછી આવી રહી હતી. આ લોકોએ મારી કારને ટક્કર મારવાનું શરૂ કરી દીધું. કોઈ કારણ વગર, પીછો કર્યો અને જ્યારે મેં પોલીસ ફરિયાદ કરી ત્યારે મને ફોન પર કહ્યું, ‘તો હવે તમે સુરક્ષિત ઘરે પહોંચી ગયા છો, જવા દો!
એક આરોપીની કરાઈ ધરપકડ
તેણે દિલ્હી પોલીસને મેલ મોકલીને ફરિયાદ પણ કરી હતી, જેના પછી પોલીસે 354, 354 (D) સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી હતી.
ઈન્ટિરિયર ડિઝાઈનર છે નીતિશ રાણાની પત્ની
તમને જણાવી દઈએ કે સચી વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે અને તેનો પતિ નીતિશ રાણા પહેલીવાર આઈપીએલમાં કેપ્ટનશીપ કરી રહ્યા છે. નીતીશે પોતાની કેપ્ટનશિપથી આ લીગમાં ઘણા પ્રભાવિત કર્યા છે. હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 10માંથી 4 મેચ જીતીને 8માં નંબર પર છે.
ADVERTISEMENT