વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આજે વડોદરા ખાતે ભાજપના કાર્યાલયનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે (CR Patil) કાર્યકરોને સંબોધતા કોંગ્રેસ અને AAP પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ મેઘા પાટકરનું નામ લઈને AAPને ઘેરી હતી.
ADVERTISEMENT
બે વર્ષમાં ભાજપે એકપણ ચૂંટણી નથી હારી: પાટીલ
સી.આર પાટીલે કહ્યું, આપણે છેલ્લા બે વર્ષથી એકપણ ચૂંટણી હાર્યા નથી. એનું કારણ છે PM મોદીની લોકપ્રિયતા છે. ભાજપનો કાર્યકર્તા જીત પછી બેસી નથી રહેતો, તે લોકોની સેવા માટે અનેક નવી નવી રીતો શોધે છે. એટલે જ ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ કહેવાય છે.તેમણે નામ લીધા વિના કહ્યું, જે પાર્ટી ભાડાના ટટ્ટુઓ રાખીને સંપર્ક માટે લોકોને મોકલે છે, લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે તેને ગુજરાતમાં કોઈ સ્થાન નથી. પેલી કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂ કરી. તેમના માજી પ્રમુખે ગુજરાતને ભારત જોડોમાંથી બહાર કરી દીધું. ભારત જોડોમાં ગુજરાતને સમાવિષ્ટ કરવાની પણ તેમની માનસિકતા નથી.
મેઘા પાટકરના બહાને AAP પર નિસાન સાધ્યું
પાટીલે કહ્યું, અને પેલી AAP પાર્ટી જેણે ગુજરાતમાં નર્મદાના નીરને કચ્છના લોકો, સૌરાષ્ટ્રના લોકોને પાણીની જરૂર હતી તેમને પાણીથી વંચિત રાખવાનો પ્રયાસ કર્યો છે એવા લોકોને આ પાર્ટીએ લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા. આ અર્બન નક્સલાઈટ છે. તેમણે ઉમેદવાર બનાવ્યા તે મેઘા પાટકરના શબ્દો તમે જુઓ. તેમણે કહ્યું હતું કે આ ડેમ કોઈ હાલતમાં બનવા નહીં દઉં. નર્મદાનો ડેમ બનશે તો પાણીમાં ડૂબી મરીશ. આવા ગુજરાત વિરોધી અર્બન નક્સલાઈટને જે પાર્ટી ટિકિટ આપે છે. જેને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવા માગે છે, તેવી પાર્ટીને ગુજરાતમાં ઘુસવા ન દેવાય. આંખમાં તેલ નાખીને જાગતા રહેજો.
નોકરીના વાયદા પર પણ AAPને ઘેરી
AAP પર પ્રહાર કરતા પાટીલે વધુમાં કહ્યું, ગુજરાતના યુવાનો ભણેલા છે એમને પણ ખબર છે જે ગુજરાતમાં 5.50 લાખ નોકરીઓ છે, જ્યાં લગભગ બધી નોકરી ભરેલી છે, એમાં 10 લાખ નવી નોકરીઓ કેવી રીતે આપશે? પછી આ પડીકુ મોટું કરી દીધું અને કહ્યું પાંચ વર્ષમાં આ નોકરી હું ડબલ કરી દઈશ 20 લાખ. પણ ગુજરાતની પ્રજા આવા લોકોને સારી રીતે ઓળખે છે. જે પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 મહાનગર પાલિકાની સીટો સિવાય તમામ સીટો પર ડિપોઝિટો જમા કરી દીધી એ અહીં સરકાર બનાવવાની વાતો કરે છે. કહેતા ભી દિવાના સુનતા ભી દીવાના.
વડોદરાની તમામ બેઠકો જીતવા કાર્યકરોને હાકલ કરી
આ સાથે જ પાટીલે ભાજપના કાર્યકરોને હાકલ કરી કે આગામી વિધાનસભા ચૂંટણીમાં વડોદરાની તમામ પાંચેય વિધાનસભા સીટો 50 હજારથી વધુ લીડથી આ વખતે જીત મેળવવાની છે. આ માટે કાર્યકરોને લોકોની વચ્ચે જઈને તેમનો સંપર્ક કરવા માટે હાકલ કરી હતી.
ADVERTISEMENT