રખડતા ઢોરના આતંકનો વધુ એક વીડિયો, રસ્તે જતા માતા-પુત્ર પર હુમલો કરી ગાયે ખૂંદી નાખ્યા

મોરબી: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધુ વકરતી જાય છે. છાસવારે રખડતા ઢોરના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે જ ભાવનગરમાં એક બાઈક…

gujarattak
follow google news

મોરબી: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધુ વકરતી જાય છે. છાસવારે રખડતા ઢોરના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે જ ભાવનગરમાં એક બાઈક સવારનું ઢોરનું અડફેટે મોત થયું હતું, ત્યારે હવે મોરબીમાં માતા-પુત્ર પર ગાયે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગાયના હુમલાની (Cow Attack) આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મોરબીમાં ગાયનો માતા-પુત્ર પર હુમલો
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલની બાજુમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં માતા-પુત્ર ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક સામે ઊભેલી ગાય તેમના તરફ દોડતી આવે છે અને બાળક પર હુમલો કરે છે. બાળકને બચાવવા માટે સામે આવતા ગાય તેમને પણ અડફેટે લે છે અને નીચે પાડી દે છે.

 

સ્થાનિક લોકોએ માંડ માંડ બચાવ્યા
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. જેમાં જોઈ શકાય છે કેવી રીતે ગાય માતા-પુત્ર પર હુમલો કરે છે. જોકે એટલામાં જ આસપાસના લોકો દોડીને બંનેને બચાવવા ત્યાં પહોંચી જાય છે, તેમ છતાં ગાય તેમને નીચે પાડીને પગથી ખૂંદી નાખે છે. જોકે માંડ માંડ કરીને લોકો ગાયને ત્યાંથી ભગાડવામાં સફળ થાય છે અને મા-દીકરાને છોડાવે છે. ઘટના શુક્રવારે સવારના સમયે બની હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે. જો લોકો ત્યાં બચાવવા સમય પર ન આવ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

ગઈકાલે ભાવનગરમાં ઢોરની અડફેટે યુવકનું મોત થયું
નોંધનીય છે કે, દિવાળીની પૂર્વ સંધ્યાએ ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. ઘરેથી બાઈક પર દુકાને જવા નીકળેલા યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. તંત્રની બેદરકારીના કારણે દિવાળી ટાંણે જ યુવકના મોતથી પરિવારમાં હવે માતમ છવાયો હતો.

    follow whatsapp