અમદાવાદ: આમ આદમી પાર્ટીએ ગઈકાલે જ વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. નવા ‘મૂરતિયા’ઓની યાદી જાહેર કર્યાના 24 કલાકમાં જ વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ પટેલ વિવાદોમાં સપડાયા છે. AAPના ઉમેદવારનો દારૂ-હુક્કા પાર્ટીના ફોટો અને વીડિયો હાલમાં સામે આવ્યા છે.
ADVERTISEMENT
કલ્પેશ પટેલની દારૂ પાર્ટીની તસવીરો સામે આવી
ગુજરાત ભાજપના સ્ટેટ-મીડિયા કો-હેડ ઝુબિન આસરાએ AAPના ઉમેદવાર કલ્પેશ પટેલના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તેઓ દારૂ અને હુક્કાની મહેફિલ માણતા સાથે જોવા મળી રહ્યા છે. આ સાથે ઝુબિન આસરાએ ટ્વીટમાં લખ્યું છે કે, ગાંધીના ગુજરાતમાં એક વધુ દારૂડિયાને ટિકિટ. આ સાથે જ તેમણે ઈસુદાન ગઢવીનો પણ ઉલ્લેખ કરી તેમના પર પ્રહાર કર્યા છે અને અરવિંદ કેજરીવાલને સવાલ પૂછ્યો છે કે ગાંધીના ગુજરાતમાંથી દારૂ પરથી પ્રતિબંધ હટાવવો છે કે શું?
ગઈકાલે જ AAPએ 10 ઉમેદવારો જાહેર કર્યા હતા
નોંધનીય છે કે, ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ નવા 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં વેજલપુર બેઠક પરથી કલ્પેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. કલ્પેશ પટેલ એક જાણીતા બિઝનેસમેન છે. ગણેશ હાઉસિંગ નામના પ્રોજેક્ટના નામથી અમદાવાદમાં તેઓ જાણીતા છે.
કલ્પેશ પટેલ કોંગ્રેસમાંથી AAPમાં આવ્યા હતા
જણાવી દઈએ કે કલ્પેશ પટેલ પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. જોકે બાદમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એવામાં આ ફોટો તેમના કોંગ્રેસના જ કોઈ જૂના સાથી દ્વારા વાઈરલ કરાયા હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે.
ADVERTISEMENT