કૌશિક કાંઠેચા/કચ્છ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 27 અને 28મી ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમાં પણ 28મી ઓગસ્ટના રોજ તેઓ કચ્છના ભુજમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. એવામાં ભુજના ખખડધજ રસ્તાઓ રાતોરાત નવા બનાવવામાં આવતા વિવાદ ઊભો થયો છે. ભુજની જનતા છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર રસ્તાની હાલતને લઈને રજૂઆત કરતી હતી પરંતુ અધિકારીઓના પેટનું પાણી નહોતું હલતું અને હવે PMના આગમન પહેલા તેઓ અચાનક દોડતા થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસે આ મામલે તંત્રનો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
સ્થાનિકો ખરાબ રસ્તાને લઈને વારંવાર ફરિયાદ કરતા હતા
હકીકતમાં ભુજમાં રસ્તા પરના કમરતોડ ખાડાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. આ માટે તેમણે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગને અનેકવાર રજૂઆતો કરી હતી. જોકે કોઈએ પણ ખાડા પુરવા કે રોડના સમારકામની તસ્દી લીધી નહીં. એવામાં પધાનમંત્રી સમક્ષ કચ્છનું સારું ચિત્ર બતાવવા માટે PM જે રસ્તા પરથી પસાર થવાના છે ત્યાં રાતોરાત નવા રસ્તા બની રહ્યા છે.
કોંગ્રેસે ખાડા પર વૃક્ષારોપણ કર્યું
જ્યારે શહેરના આંતરિક રસ્તા ખખડધજ છે. એવામાં કોંગ્રેસે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા રોડ પર ખાડામાં બેસીને તથા તેમાં વૃક્ષા રોપણ ખરીને તંત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કચ્છમાં રોડ ખરાબ હોવાનો કોંગ્રેસનો દાવો
આ વિશે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્ર સિંહ જાડેજાએ કહ્યું કે, તંત્ર જેવી તાત્પરતા પ્રધાનમંત્રી આવે ત્યારે બતાવે છે તેવી તાત્પરતા જ્યારે પરિસ્થિતિ બગડી હોય ત્યારે શું કામ નથી દેખાડતું એ મોટો પ્રશ્ને છે. આજે સમગ્ર કચ્છમાં રસ્તાઓ રહ્યા જ નથી. મોટા-મોટા ખાડાઓ થયા છે, તેના કારણે કેટલાય અકસ્માતો થયા છે. લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે તંત્રએ તાત્કાલિક ધોરણે સમગ્ર કચ્છના રસ્તાઓનું સમારકામ કરવું જોઈએ.
ADVERTISEMENT