ચૂંટણી પહેલા વધુ એક કર્મચારી સંગઠને ભાજપ સરકારની ઊંઘ ઉડાડી, AAPના સમર્થનમાં મૂકી પોસ્ટ

અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે. ચૂંટણી પહેલા દિલ્હીના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી…

gujarattak
follow google news

અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે. ચૂંટણી પહેલા દિલ્હીના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી રહી છે. એવામાં અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ છેલ્લા 2-3 વખતથી સરકારી કર્મચારીઓના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે તેમના દ્વારકા પ્રવાસ પહેલા રાજ્યના કાયમી તથા કરાર આધારિત સરકારી કર્મચારીઓનું કેજરીવાલના સમર્થનમાં પોસ્ટર વાઈરલ થયા છે.

કોન્ટ્રાક્ટ પરના અને VCE કર્મચારીઓનો AAPને સપોર્ટ
પોલીસ તથા ST વિભાગ બાદ હવે વહીવટી કર્મચારીઓ પણ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આવ્યા છે. અરવલ્લીમાં 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓએ AAPને સમર્થન આપતું પોસ્ટર વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યું છે. મનરેગા, VCE કર્મચારીઓ તથા 11 માસના કરાર આધારિત કર્મચારીઓએ કેજરીવાલનું પોસ્ટર મૂકીને AAPને સપોર્ટ જાહેર કર્યો છે.

કેજરીવાલે ઉઠાવ્યો હતો ગ્રેડ-પેનો મુદ્દો
નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલ આ પહેલા ગુજરાતના પ્રવાસમાં પોલીસના ગ્રેડ-પેનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ થોડા દિવસોમાં સરકારે પોલીસ કર્મચારીઓની નારાજગીને સમાપ્ત કરવા 550 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. કેજરીવાલે આ બાદ વિદ્યાસહાયકો, STના કર્મચારીઓ તથા હોમગાર્ડ જવાનોનો મુદ્દો ઉઠાવ્યો હતો. એવામાં હવે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ પોતાની વાત સ્ટેટસ દ્વારા કેજરીવાલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

2 સપ્ટેમ્બર ફરી ગુજરાત આવશે કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 30 ઓગસ્ટે દ્વારકાના પ્રવાસે આવવાના હતા. આ અંગેની સત્તાવાર જાહેરાત પણ થઈ ગઈ હતી. જોકે દિલ્હીના રાજકારણમાં વધેલી હલચલના કારણે તેમણે રાતો રાત પોતાનો પ્રવાસ રદ કરવો પડ્યો છે. ત્યારે હવે તેમના દ્વારકા પ્રવાસની નવી તારીખ જાહેર કરાઈ છે. જે મુજબ કેજરીવાલ હવે 2 સપ્ટેમ્બરના રોજ દ્વારકા આવે તેવી શક્યતા છે. દ્વારકાના જગત મંદિરના શિખર પર ધજા ચડાવી 182 વિધાનસભા બેઠકના શ્રી ગણેશ કેજરીવાલ કરશે. આ માટે NDH સ્કૂલના મેદાનમાં 10થી 15 હજારની જન મેદની એકઠી કરવાનો ટાર્ગેટ સ્થાનિક કાર્યકરોને આપવામાં આવ્યો છે.

(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)

 

    follow whatsapp