અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. PM મોદી ગુજરાતમાં ઘણા પ્રવાસો અને સભાઓ કરી ચૂક્યા છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં એક બાદ એક સભાઓ ગજવી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ સક્રિય ન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ભાજપ-AAP બંનેના નેતાઓ દિલ્હીથી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે પણ કોંગ્રેસમાં રાહુલ ગાંધી માત્ર 1 વખત ગુજરાત આવ્યા હતા ત્યારથી દેખાયા જ નથી. ત્યારે આ બાબતને લઈને પંચાયત AajTakના મંચ પરથી હર્ષ સંઘવીને કોંગ્રેસ પર નિસાન સાધ્યું હતું.
ADVERTISEMENT
રાહુલ ગાંધી પર હર્ષ સંઘવી વરસ્યા
રાહુલ ગાંધી 22 નવેમ્બરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યાના અહેવાલ છે, જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહિત છે. પરંતુ હર્ષ સંઘવીને આ વાતને કાર્યકર્તાઓ માટે મોટી ચિંતા બતાવી દીધી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીના ગુજરાત આવવાથી કાર્યકર્તાઓમાં વધારે ચિંતા છે. શું ખબર અહીં આવીને તેઓ શું બોલે, શું નિવેદન આપશે. પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ આવનારા દિવસોમાં તેમનો બચાવ કરતા રહેશે. તેમના કાર્યકર્તાઓની તો ચિંતા ખૂબ વધી જાય છે. તેમણે પોતાને તૈયાર કરવા પડે છે કારણ કે કોઈને નથી ખબર કે રાહુલ ગાંધી શું બોલી દેશે.
AAP પર શું કહ્યું?
હર્ષ સંઘવીએ કહ્યું કે, આ વાત પર પણ ભાર આપવો જોઈએ કે ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ ભાજપનો જ મુકાબલો રહેશે. પહેલા પણ ત્રીજી પાર્ટીએ આવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કંઈ થઈ શક્યું નથી. અરવિંદ કેજરીવાલે ઉત્તરાખંડમાં પણ મોટા વાયદા કર્યા હતા. ગોવામાં પણ રેલી કરી હતી. તે પોતે જ સર્વે કરાવડાવે છે, તેમના વિશે પ્રચાર કરે છે. આ જ પ્લાનિંગ સાથે ગુજરાતમાં પણ ચાલી રહ્યા છે. પરંતુ અહીં તેમનું કંઈ થવાનું નથી. તેમના જુઠ્ઠાણા પર ગુજરાતની જનતા વિશ્વાસ નહીં કરે. તેમણે અરવિંદ કેજરીવાલના પોતાને શ્રીકૃષ્ણ સાથે તુલના કરવાના નિવેદનની પણ ટિકા કરી અને કહ્યું કે, ભગવાન કૃષ્ણનો અવતાર બનવું આટલું સરળ નથી. તેમની સાથે તુલના કરવી એ તેમની વિચારસરણી દર્શાવે છે.
ADVERTISEMENT