સુરેન્દ્રનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં ગાબડા પડી રહ્યા છે. એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં રાજનેતાઓ જોડાઈ રહ્યા છે. આ વચ્ચે વઢવાણમાં કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના હોદ્દેદારો સહિત 200 જેટલા સમર્થકો ભાજપમાં જોડાઈ ગયા. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જતા વઢવાણ બેઠક પર મોટો ફટકો પડી શકે છે.
ADVERTISEMENT
કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ પાર્ટી છોડી
વઢવાણ ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના યુવા આગેવાન અને એડવોકેટ પ્રશાંત ભટ્ટ અને ગુજરાત કોંગ્રેસ અનુ.જાતિ ઉપપ્રમુખ દિલીપ ડગળા પોતાના અંદાજે 200થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, વઢવાણ બેઠકના ઉમેદવાર જગદીશભાઈ મકવાણા, હિમાંશુ વ્યાસ સહિતનાઓ આગેવાનોએ ભાજપનો ખેસ પહેરાવી તમામનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ઝટકા
નોંધનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા નારાજ કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતુ અને ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ 2017થી અત્યાર સુધીમાં કોંગ્રેસના 19 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. એવામાં પાર્ટી માટે પોતાના ધારાસભ્યોને બચાવવા મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. ત્યારે હવે પક્ષના કાર્યકરો પણ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
(વિથ ઈનપુટ: સાજિદ બેલીમ)
ADVERTISEMENT